વર્ષ 2022-23 દરમિયાન એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)માં ઝડપી વૃદ્વિના ટ્રેન્ડ છતાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) માર્કેટ શેર બેન્કોને સુપરત કરશે. HFCsનો AUM વૃદ્વિદર નાણાકીય વર્ષ 2023 દરમિયાન 10-12 ટકા રહેશે. જે નાણાકીય વર્ષ 2022 દરમિયાન 8 ટકા રહ્યો હતો. રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર માર્કેટમાં સ્પર્ધા વચ્ચે બેન્કો સામે ટકી રહેવા માટે તેમજ માર્કેટ શેરને હોલ્ડ કરવા માટે AUMમાં ઝડપી વૃદ્વિ પર્યાપ્ત નથી. છેલ્લા ચાર વર્ષથી HFC સેગમેન્ટ બેન્કનો માર્કેટ શેર્સ સોંપી રહી છે.જેને કારણે હવે બેન્કો 62 ટકા માર્કેટ શેર ધરાવે છે.
ક્રિસિલના અનુમાન પ્રમાણે આગામી સમયમાં પણ બેન્કો વધુને વધુ માર્કેટ શેર હાંસલ કરે તે ટ્રેન્ડ યથાવત્ રહેશે તે ચોક્કસ છે. તે ઉપરાંત HDFCના HDFC બેન્ક સાથેના મર્જરને કારણે બેન્કના માર્કેટ શેરમાં વધુ વિસ્તરણ થશે. એક સેગમેન્ટ જ્યાં HFCsમાં વૃદ્વિ જોવા મળી રહી છે તે એફોર્ડેબલ હાઉસિંગ લોન છે, જ્યાં બેન્કો સામે સ્પર્ધા મર્યાદિત છે. જે અનુસાર આ સેગમેન્ટ નાણાકીય વર્ષ 2023 દરમિયાન 18-20 ટકા વૃદ્વિનું સાક્ષી બનશે. પરંતુ, પરંપરાગત હોમ લોન સેગમેન્ટમાં બેન્કોને સ્પર્ધા આપવી તે વધુ પડકારજનક બન્યું છે. ફંડિગ ખર્ચને કારણે તેમાં વધુ પડકાર છે.
HFCs માટે ફંડિગ એ કોઇ મોટી સમસ્યા નથી. પરંતુ, કડક નિયમનકારી શરતો, કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં ઊંડાણનો અભાવને કારણે HFCsએ તેના બિઝનેસ મોડલને સુવ્યવસ્થિત કરવાની આવશ્યકતા છે. આગામી સમયમાં HFCs અને બેન્કો વચ્ચે વધુને વધુ પાર્ટનરશિપ થાય તે જરૂરી છે.
ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇફસ્ટાઇલના કારણે હાઉસિંગમાં ટાઉનશિપની ડિમાન્ડ વધી
હાઉસિંગ સેક્ટરમાં છેલ્લા બે વર્ષથી તંદુરસ્ત ગ્રોથ જોવા મળી રહ્યો છે. કોરોના બાદ આ સેક્ટરે ડબલ ડિજિટમાં ગ્રોથ મેળવ્યો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઘર ખરીદનારાઓમાં બદલાવ આવ્યો છે. પ્રાથમીક જરૂરીયાત ઉપરાંત ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇફસ્ટાઇલ, સલામતીની માગને ધ્યાનમાં રાખી ગુજરાતના મોટા ભાગના લોકો ટાઉનશિપનો આગ્રહ રાખી રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આ ટ્રેન્ડ ઝડપથી ડેવલપ થઇ રહ્યો છે. ગિફ્ટી સિટીમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓની ઉપસ્થિતી સાથે રહેણાંક વિસ્તાર પર ઝડપી વિકસી રહ્યો છે જેમાં ઉત્તમ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અને સુવિધાઓ વિશ્વ-કક્ષાની મળી રહી હોવાથી સ્થાનિક ઉપરાંત એનઆરઆઇ લોકોની માગ ઝડપી વધી હોવાનું શિવાલિકના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું હતું.
વધુમાં ઉમેર્યું કે આરોગ્યસંભાળ સુવિધાઓ, શાળાઓ, માર્કેટ વગેરે જેવી જરૂરી દરેક વસ્તુ સરળતાથી ઉપલબ્ધ છે પરિણામે ઘર ખરીદનારાઓમાં લોકપ્રિયતા મેળવી છે. એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ અમદાવાદ રહેણાંક રિયલ એસ્ટેટના વેચાણને ઝડપી વેગ આપ્યો છે. એટલું જ નહિં એક કરોડથી વધુની કિંમતના ફ્લેટની માંગ વધી રહી છે. 2020 ના શરૂઆતના મહિનાઓમાં કોવિડ-19 રોગચાળાને કારણે રિયલ એસ્ટેટના વેચાણને ભારે ફટકો પડ્યો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય-ભાસ્કર
11 Comments