અમદાવાદમાં ચોમાસામાં ભૂવા પડવાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં 90થી વધુ ભૂવા પડ્યા છે. ત્યારે આજે વધુ એક ભૂવો જુહાપુરા વિસ્તારમાં મુખ્ય રોડ પર અંબર ટાવર નજીક પડ્યો છે. જેમાં ખુદ કોર્પોરેશનની મોટી કચરાની ટ્રક ભૂવામાં ફસાઈ ગઈ હતી. ગાડીનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. કોર્પોરેશન દ્વારા ભૂવામાં ફસાયેલી ગાડીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શહેરના જુહાપુરા વિસ્તારમાંથી આજે બપોરે કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની મોટી ગાડી પસાર થતી હતી ત્યારે અંબર ટાવર નજીક અચાનક જ રોડમાં ભૂવો પડ્યો હતો અને ગાડીનો પાછળનો ભાગ તેમાં ફસાઈ ગયો હતો. આગળથી ગાડી ઊંચી થઈ ગઈ હતી. ગાડી ભૂવામાં ફસાઈ ગઈ હતી જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 92 જેટલા ભૂવા પડ્યા છે, જેમાંથી 84 જેટલા ભૂવા રિપેર થઈ ગયા છે. જુલાઈ મહિનામાં 70, ઓગસ્ટ મહિનામાં 15 ભૂવા પડ્યા છે. માત્ર ચાલુ મહિનામાં પડેલા 6 ભૂવા રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
8 Comments