મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત રસ્તાઓના રિસર્ફેસિંગ, રિપેરિંગ અને નવાં કામો સત્વરે હાથ ધરવા તાકીદ કરી
Chief Minister Bhupendra Patel urged to take up resurfacing, repairing and new works of the affected roads immediately.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં ચોમાસાની સ્થિતિને કારણે અસર પામેલ રસ્તાઓની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી તથા અસરગ્રસ્ત રસ્તાઓના રિસર્ફેસિંગ, રિપેરિંગ અને નવાં કામો સત્વરે હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરી હતી.
ચાલુ વર્ષે પડેલા વરસાદમાં રોડ-રસ્તા ધોવાઈ જવાના કારણે ગુજરાતના વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તેમના વિસ્તારોમાં જે માર્ગ-રસ્તાઓ તૂટ્યા છે તેને નવા કામો દ્વારા સત્વરે રિસર્ફેસિંગ અને રીપેરિંગ કરીને ઠીક કરવાની તાકીદ કરી છે. જેના માટે મંગળવારે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરીને મુખ્યમંત્રીએ રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોના સમારકામ માટેની જે જરૂરિયાત ઉભી થઈ છે, તેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે ચોમાસા બાદ આવી વિકટ સ્થિતિનું નિર્માણ થાય છે.
નવરાત્રિ સુધીમાં તૈયાર થઈ જશે રોડ-રસ્તાઓ!
સીએમ પટેલે રાજ્યમાં વરસાદ રહી જાય કે ઓછો થાય કે તરત જ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં જ માર્ગ સમારકામના કામો હાથ ધરાય અને નવરાત્રિ સુધીમાં નગરો-મહાનગરોમાં માર્ગોની સ્થિતિ પૂર્વવત થઇ જાય તેવી સ્પષ્ટ સુચના આપી હતી.
ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
આ મામલે માર્ગ અને મકાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના સચિવો અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં યોજાયા હતા.
સીએમે મ્યુનિ કમિશનર્સ અને સચિવોને સૂચના આપી
આ બેઠકમાં રાજ્યની આઠ મહાનગરપાલિકાના કમિશનરો તેમ જ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં રસ્તાઓને થયેલા નુકસાન અને સમારકામ માટે કરવામાં આવેલી કામગીરી તથા આયોજનનો વિસ્તૃત ચિતાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થઇને આપ્યો હતો.
જલદીથી હાથ ધરવામાં આવે સમારકામની કામગીરી
બેઠકમાં હાજર ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત માર્ગો બને તથા ત્રણ વર્ષની ડિફેક્ટ લાયેબલિટીની મર્યાદામાં આવતા માર્ગોનું રિસર્ફેસિંગ, રીપેરિંગ સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા સત્વરે હાથ ધરાય તે માટે અધિકારીઓ કામગીરી પર સતત જાતે નિરિક્ષણ કરે અને ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરે. આ સાથે તેમણે એવું પણ જણાવ્યું કે, નાણાના અભાવે જનતા જનાર્દનના આવા પાયાની સુવિધાના કામો અટકે નહીં તે માટે રાજ્ય સરકાર સ્થાનિક સત્તા તંત્રોની પડખે છે.
હાઈવે, મુખ્ય જિલ્લા માર્ગોની પણ સમીક્ષા કરી
આ ઉપરાંત સીએમ પટેલે સ્ટેટ હાઇવે, નેશનલ હાઇવે, મુખ્ય જિલ્લા માર્ગો તથા પ્લાન વિલેજ માર્ગોની સ્થિતિની પણ માર્ગ મકાન વિભાગના સચિવ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. જેમાં પટેલે સૂચન કર્યું હતું કે, માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઇન કરવામાં આવે જેથી નાગરિકોને પારદર્શી રીતે સમગ્ર કામગીરીનો ખ્યાલ આવી શકે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.
7 Comments