અમદાવાદ શહેરમાં 462 કરોડના ખર્ચે 5 ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થશે
Construction of 5 overbridges will start in Ahmedabad city at a cost of 462 crores
અમદાવાદ શહેરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે. જેની સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરને ટ્રાફિક અને ફાટકમુક્ત બનાવવા રેલવે ક્રોસિંગ અને મોટા જંકશન પર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે રૂ. 462 કરોડના ખર્ચે ત્રણ રેલવે ક્રોસિંગ અને બે મોટા જંકશન પર એમ કુલ 5 ઓવરબ્રિજની કામગીરી શરૂ થઈ જશે. બે વર્ષમાં બ્રિજ બનીને તૈયાર થઈ જશે અને ટ્રાફિકની સમસ્યા માંથી લોકોને મુક્તિ મળશે. અમદાવાદ શહેરમાં અંદાજે કુલ 60 બ્રિજ છે. જગતપુર પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે વર્ષ 2024માં બનીને તૈયાર થઈ જશે.
ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા પ્રયાસ
શહેરમાં ઝડપથી લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં વેજલપુરથી આનંદનગર, મકરબાથી પ્રહલાદનગર, હેબતપુર પાસે એમ ત્રણ રેલ્વે લાઈન પર એમ જ સતાધાર ચાર રસ્તા અને નરોડા પાટિયાથી ગેલેક્સી જંકશન પર ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બ્રિજ પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ વેજલપુરથી આનંદનગર, મકરબાથી પ્રહલાદનગર રેલવે ક્રોસિંગ પર રોજના અંદાજે ત્રણ લાખ જેટલા વાહનો પસાર થાય છે. હેબતપુર રેલવે લાઇન અને સતાધાર જંકશન પર અંદાજે 3.5 લાખથી વધુ વાહનો પસાર થાય છે. જ્યારે નરોડા પાટિયાથી ગેલેક્સી સુધી 5 લાખથી વધુ વાહનો પસાર થાય છે ત્યારે લોકોને આ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તેના માટે કુલ રૂ. 462 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવા તૈયારી
ચાલુ વર્ષના અંતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ બ્રિજની કામગીરી શરૂ કરવા માટેની તૈયારી દર્શાવી છે ત્રણ રેલવે લાઇન પર ઓવરબ્રિજ અને સતાધાર ઓવરબ્રિજના ટેન્ડર થઈ ચૂક્યા છે અને તેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. નરોડા પાટિયાથી ગેલેક્સી પર બ્રિજ માટે રિટેન્ડર કરવામાં આવ્યું છે, તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. 10 સપ્ટેમ્બર પહેલા આ તમામ પાંચ બ્રિજનું ખાતમુહૂર્ત કરવાની તૈયારી ભાજપના સત્તાધીશો દ્વારા કરી દેવામાં આવી છે અને અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ઝડપથી ટેન્ડર અને વર્ક ઓર્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
9 Comments