અમદાવાદ–મહેસાણા હાઈવે બનશે 8 લેન, મુખ્યમંત્રીએ 2,630 કરોડની ફાળવણી સાથે આપી મંજૂરી

ગુજરાત સરકારે અમદાવાદ–મહેસાણા હાઈવેને આઠ લેનમાં રૂપાંતર કરવા માટે ₹2,630 કરોડના ખર્ચે થનારા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટ હેઠળ અડાલજથી મહેસાણાના પાલવાસણા સર્કલ સુધીના કુલ 51.60 કિમીના માર્ગને આઠ લેનનો બનાવવામાં આવશે. વર્ષ 1999માં ચાર લેન તરીકે નિર્મિત આ હાઈવે પર હાલ દરરોજ એક લાખથી વધુ વાહનોની અવરજવર છે. વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી માર્ગના વિસ્તરણનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય માર્ગને આઠ લેનમાં પહોળો કરવામાં આવશે તેમજ બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવાશે. કલોલ શહેરમાં ટ્રાફિક ભીડ ઘટાડવા માટે 6.10 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં પાંચ ઓવરબ્રિજ અને ફ્લાયઓવરનો સમાવેશ થશે.
આ ઉપરાંત, માર્ગ પર આવેલા તમામ બ્રિજ, પાઈપ કલ્વર્ટ અને બોક્સ કલ્વર્ટને પણ આઠ લેનમાં વિસ્તૃત કરવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ કુલ આઠ ફ્લાયઓવર, આઠ અંડરપાસ અને વાઘરા ખાતે નવો ચાર લેનનો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને ટેન્ડર મંજૂરી બાદ બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, માહિતી ખાતુ, ગાંધીનગર



