સ્ટીલ બાદ હવે સિમેન્ટના ભાવમાં વધારો, મકાનો બનાવવા મોંઘાં થશે
After steel, now that the price of cement has gone up, it will be more expensive to build houses
રશિયા અને યુક્રેનની કટોકટીના કારણે માત્ર વાહન ચલાવવું ખિસ્સા પર ભારે પડી રહ્યું છે એવું નથી પરંતુ ઘર બનાવવું પણ મોંઘું પડશે. આયાતી કોલસો અને પેટ કોક જેવા કાચા માલના ભાવમાં વધારાને કારણે આગામી એક મહિનામાં સિમેન્ટના ભાવમાં 6-13 ટકાનો વધારો થઈ શકે છે અને સિમેન્ટની બોરીની કિંમત 400 રૂપિયાને પાર થઇ શકે છે.
સિમેન્ટ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનામાં કોલસા અને પેટ કોકના ભાવમાં 30-50%નો વધારો થયો છે. ક્રિસિલના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં સિમેન્ટની કિંમત વધીને 390 રૂપિયા પ્રતિ થેલી થઈ ગઈ છે. આગામી એક મહિના દરમિયાન દેશભરમાં સિમેન્ટની કિંમત 25-50 રૂપિયા વધુ વધવાની શક્યતા છે.
હકીકતમાં ક્લિંકરના ઉત્પાદન માટે કોલસો અને પેટ કોકની જરૂર પડે છે જે સિમેન્ટ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે. સિમેન્ટ કંપનીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલના મોંઘવારીથી તેમની મુશ્કેલી વધી છે. પેકેજિંગ સામગ્રીની કિંમત,પરિવહન ખર્ચ અને વિતરણ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગત નાણાકીય વર્ષમાં બ્રેન્ટ ક્રૂડ 75 ટકાથી વધુ મોંઘું થયું હતું. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન આં.રા.બજારમાં પેટ કોકની કિંમતમાં સરેરાશ 43%નો વધારો થયો છે.
અમેરિકી પેટ કોક ગત નાણાકીય વર્ષમાં 96% મોંઘું થયું છે. ઘરેલું પેટ કોકના ભાવમાં પણ માર્ચમાં 26% અને આ મહિનામાં અત્યાર સુધીમાં 21%નો વધારો થયો છે. દરમિયાન ઉંચા શિપિંગ ભાડાને કારણે છેલ્લા એક વર્ષમાં આયાતી પેટ્રોલિયમ કોકની કિંમત લગભગ બમણી થઈને 130 ડોલર ( 9,951) પ્રતિ ટન થઈ છે.
ક્રિસીલ રિસર્ચ ડિરેક્ટર હેતલ ગાંધીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિનામાં સિમેન્ટની માંગમાં 20%નો વધારો થયો છે. પરંતુ કમોસમી વરસાદ,રેતીની અને મજૂરોની અછતને કારણે બીજો તબક્કો સુસ્ત રહ્યો. આ કારણે સમગ્ર નાણાકીય વર્ષ માટે માંગ વૃદ્ધિ ઘટીને માત્ર 7% રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
9 Comments