ગુજરાતના આર્થિકનગર અમદાવાદમાં, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા જગત જનની મા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિરના નિર્માંણ માટેનું ભૂમિપૂજન 20 નવેમ્બર-2021ના રોજ ઉમિયાધામ સોલા ખાતે આયોજિત કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમિયાધામ સોલા ખાતે ઉમિયા માતાજીના મંદિરનું ભૂમિપૂજન થશે. આ પાવન પ્રસંગે, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રુપાલા, રાજસ્વી મહેમાનો અને દાતાશ્રીઓ સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
સંસ્થાનના માનદમંત્રી દિલીપ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદના ઉમિયાધામ સોલા ખાતે ઉમિયા માતાના ભવ્ય મંદિરના નિર્માંણ માટેનું ભૂમિપૂજન કરવામાં આવશે. તે દરમિયાન અન્ય સમાજના લોકો પણ માતાજીના પૂજા કે યજ્ઞમાં ભાગ લઈ શકશે.
મંદિરના નિર્માંણ અંગે દિલીપ પટેલે જણાવ્યું હતું કે, અંદાજિત 136 ફૂટ ઊંચાઈ ધરાવતું, 255 ફૂટ લંબાઈ અને 160 ફૂટ પહોળાઈ અને નાગરછૈલી ધરાવતું મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માંણ કરવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું ઉમિયાધામ સોલા ખાતે નિર્માંણ કરવામાં આવશે.
અંદાજિત 4 થી 5 વર્ષમાં મંદિરનું નિર્માંણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. હાલ મંદિર નિર્માંણકાર્ય અંગેની તમામ એજન્સીઓને કામ સુપ્રત કરી દેવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માંણકાર્ય હિન્દુ શાસ્ત્રોક્ત વિધિવિધાનથી થશે. કોઈ નાતજાતના ભેદ કે ધર્મના બંધન વગર સૌ કોઈ લાભ લઈ શકશે.
મંદિર પરિસરમાં 13 માળ ધરાવતું બિલ્ડિંગ નિર્માંણ કરવામાં આવશે. જેમાં 400 થી વધારે રુમ હશે, જેમાં 1200થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ રહી શકે એવી અત્યાધુનિક હોસ્ટેલની સાથે વર્કિંગ ભાઈ-બહેનો માટે પણ હોસ્ટેલનું નિર્માંણ કરવામાં આવશે. અત્યાધુનિક બેન્કવેટ હોલનું પણ નિર્માંણ કરાશે. આ રીતે સમગ્ર પ્રોજેક્ટ અંદાજિત 1500 કરોડના ખર્ચે કુલ 74,000 ચોરસ વાર ભૂમિ પર આકાર પામશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments