ઓનલાઈન ઓક્શન:કોરોનાકાળમાં પ્લોટની હરાજીથી AMCને થઈ તોતિંગ આવક, બોડકદેવમાં એક પ્લોટ અધધ 77 કરોડ રૂપિયામાં વેચાયો
- ટીપી 50 બોડકદેવમાં AMCના પ્લોટની હરાજીમાં 158 બીડરોએ ઓનલાઈન ભાગ લીધો.
- 3469 ચો.મીનો પ્લોટ 3.25 કલાક લાંબી હરાજીના અંતે 77.04 કરોડ રૂપિયામાં વેચાયો.
શહેરમાં કોરોના વાયરની મહામારી સામેની જંગમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મોટો ફટકો પડ્યો છે. છેલ્લા એક વર્ષથી લોકડાઉન અને કોરોનાના સંક્રમણના પગલે ટેક્સ સહિતના અન્ય વેરાની આવકમાં ઘટાડો થતા કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. એવામાં આવક ઊભી કરવા કોર્પોરેશને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 16 જેટલા પ્લોટ વેચવા મૂક્યા હતા. જેમાં આજે એક પ્લોટની ઓનલાઈન હરાજી દરમિયાન કોર્પોરેશનને અધધ 77 કરોડથી વધુની આવક થઈ છે.
મ્યુનિ. કોર્પોરેશને એક પ્લોટથી 77 કરોડની આવક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ તથા રેસિડેન્શીયલ હેતુવાળા 16 જેટલા પ્લોટ્સની ઈ-હરાજી કરવા માટે ટેન્ડર બહાર પડાયું હતું. જેમાં 16 પૈકી એક પ્લોટ માટે 17 ક્વોલિફાઈડ બીડ આવતા આજે 7 મે 2021ના રોજ તેની ઓનલાઈન હરાજી રાખવામાં આવી હતી. ટીપી 50 બોડકદેવમાં પ્લોટ નંબર 385 પર આવેલી 3469 ચો.મીની જમીન ખરીદવા માટે 158 જેટલા બિડરો ઓનલાઈન હરાજીમાં હાજર રહ્યા હતા. પ્લોટની અપસેટ વેલ્યુ મ્યુનિ. દ્વારા 1,88,000 લાખ પ્રતિ ચો.મી રખાઈ હતી. જોકો હરાજી દરમિયાન તે 2,22,100 રૂ. પ્રતિ ચો.મીના ભાવે પહોંચી ગઈ અને પ્લોટ 77.04 કરોડ રૂપિયામાં વેચાયો હતો.
બોડકદેવમાં કોમર્શિયલ હેતુ માટે પ્લોટનું વેચાણ
શહેરના પોશ વિસ્તાર એવા ટીપી 50 બોડકદેવ વિસ્તારમાં કોમર્શિયલ હેતુ માટે આ પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજથી 11,82,94,900 રૂપિયાની રકમ વધારે મળી હતી. ખાસ વાત એ છે કે આ ઓનલાઈન હરાજી 3.25 કલાક સુધી ચાલી હતી. બીજી તરફ બાકીના 15 પ્લોટને પણ વધુ બીડ મળે અને કોર્પોરેશનની આવકમાં વધારો થાય તે હેતુથી તેની મુદતને પણ એક મહિનો વધારીને 1 જૂન 2021 સુધીની કરવામાં આવી છે.
પ્લોટની હરાજીથી 1200થી વધુ કરોડની રકમ ઊભી કરાશે
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ પાછલા મહિને જ શહેરમાં 1204 કરોડની કિંમતના 16 પ્લોટની હરાજી કરવાની દરખાસ્ત મંજૂર કરી હતી. થલતેજના 3, બોડકદેવના 3 કોમર્શિયલ સહિત 4 પ્લોટ, નિકોલના 2, વસ્ત્રાલના 3 તેમજ નરોડા હંસપુરાના 4 પ્લોટનો સમાવેશ થાય છે. ઔડાની ભાવનિર્ધારણ સમિતિએ કિંમત નક્કી કરી છે. સ્ટેન્ડિંગની બહાલી પછી ઓક્શન થશે. 16 પ્લોટ પૈકી 3 પ્લોટ પર કોમર્શિયલ તેમજ 13 પ્લોટ પર રહેણાંકની સ્કીમ ઉભી કરી શકાશે. મ્યુનિ. આ પ્લોટ 99 વર્ષના ભાડા પટ્ટે આપશે. જાન્યુઆરી 2020માં મ્યુનિ.એ 5 પ્લોટનું ઇ-ઓકશન કરાયું હતું. જેમાં 3 પ્લોટનું વેચાણ થયું હતું.
બોડકદેવમાં 12833 ચોરસ મીટરના પ્લોટની 241 કરોડમાં હરાજી થશે
પ્લોટનું સ્થળ | ક્ષેત્રફળ (ચો.મી.) | કિંમત (કરોડમાં) | રહેણાંક કે કોમર્શિયલ |
થલતેજ સરવે નં. 200 | 1098 | 15.37 | રહેણાંક |
થલતેજ સરવે નં. 199 | 9822 | 174. 35 | રહેણાંક |
થલતેજ સરવે નં. 265 | 2293 | 27.74 | રહેણાંક |
બોડકદેવ સરવે નં. 374 | 12833 | 241.26 | રહેણાંક |
બોડકદેવ સરવે નં. 362 | 7577 | 172.75 | કોમર્શિયલ |
બોડકદેવ સવે નં. 383 | 8060 | 151.52 | કોમર્શિયલ |
બોડકદેવ સરવે નં. 385 | 3469 | 65.21 | કોમર્શિયલ |
નિકોલ સરવે નં. 7 | 3337 | 23.35 | રહેણાંક |
નિકોલ સરવે નં. 136 | 4435 | 31.04 | રહેણાંક |
વસ્ત્રાલ સરવે નં. 193 | 3141 | 22.61 | રહેણાંક |
વસ્ત્રાલ સરવે નં. 192 | 3153 | 22.7 | રહેણાંક |
વસ્ત્રાલ સરવે નં. 183 | 9778 | 60.62 | રહેણાંક |
હંસપુરા,કઠવાડા સરવે નં. 134/2 | 7104 | 44.04 | રહેણાંક |
હંસપુરા કઠવાડા સરવે નં. 126 | 2865 | 17.76 | રહેણાંક |
હંસપુરા મુઠીયા બીલાસીયા સરવે નં.100 | 14103 | 87.43 | રહેણાંક |
હંસપુરા કઠવાડા સરવે નં. 151 | 9403 | 58.29 | રહેણાંક |
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
7 Comments