ઔડાએ બજેટ ફાળવ્યું:સાણંદ, બોપલ, કઠવાડામાં 3969 આવાસો માટે રૂ.100 કરોડ ખર્ચાશે
• બોપલની જેમ ઘુમામાં પીવાના પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે
ઔડાની બજેટ બેઠકમાં વર્ષ 2020-21માં 1070 કરોડનું બજેટ ફાળવાયું છે. મિશન જળજીવન યોજના હેઠળ સરદાર પટેલ રિંગરોડથી ત્રણ કિમીની ત્રિજ્યામાં આવતાં 45 ગામોમાં 30 વર્ષ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે 270 કરોડનો ખર્ચ કરશે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાણંદ, કઠવાડા, બોપલ, મહેમદાવાદમાં 3969 આવાસોનાં કામ પાછળ 100 કરોડ ખર્ચાશે.
શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ની બજેટ બેઠકમાં વર્ષ 2020-21ના ફાળવાયેલા બજેટ અનુસાર, સરદાર પટેલ રિંગરોડથી ત્રણ કિમીની ત્રિજ્યામાં આવતાં 45 ગામોમાં આગામી 30 વર્ષ સુધી વધતી વસતીને પીવાનું પાણી મળી રહે તે માટે 270 કરોડનો ખર્ચ કરાશે, જેમાં 60 ટકા મુજબ 162 કરોડ ઔડા અને 40 ટકા પ્રમાણે 108 કરોડ કેન્દ્ર ભોગવશે. બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે. ઉપરાંત બોપલની જેમ ઘુમા વિસ્તારમાં પીવાનાં પાણીનાં ઇન્ફાસ્ટ્રક્ચર પાછળ 105 કરોડ ખર્ચ કરાશે. કમોડ બ્રિજ, નવાપુરા રેલવે બ્રિજ, ઘુમા રેલએલ.સી., ધોળકા બ્રાન્ચ કેનાલ સહિતના કામ પાછળ પણ 320 કરોડ ફાળવાયા છે.
ઔડાનું ગત વર્ષે 963 કરોડનું બજેટ હતું, જેની સામે આ વર્ષે બજેટમાં 107 કરોડનો વધારો કરાયો છે. બજેટમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ આપતા ઔડાના સીઈઓ એ.બી.ગોરે કહ્યું કે, નળ સે જળ યોજના અંતર્ગત એશિયન ડેવલપર્સ બેંક સમક્ષ 1900 કરોડની લોન મુકાઈ હતી, જેમાંથી 1300 કરોડ લોન મંજૂર થશે. બાકીનો ખર્ચ ઔડા તબક્કાવાર ભોગવશે.
બોપલ ફાયર સ્ટેશન માટે સાડા 9 કરોડ ફાળવાશે
- સાણંદ, કઠવાડા, બોપલ, મહેમદાવાદમાં 3969 આવાસોની કામગીરી પાછળ 100 કરોડ સહિત 150 કરોડની જોગવાઈ
- 123 કરોડના ખર્ચે 125 કિમી રોડનું આયોજન કરાયું છે.
- સાણંદ, મહેમદાવાદ, કલોલ, દહેગામ ખાતે ડિસેન્ટ્રલાઇઝેશન સિવરેજ સિસ્ટમ પાછળ 1.50 કરોડ
- વોટર સપ્લાય પ્રોજેક્ટ હેઠળ બોપલમાં વધુ 36.20 કરોડ ફાળવણી
- અસલાલી, બારેજા, જેતલપુર, બોપલ, મણિપુર, ગોધાવી, શેલા, ઘૂમામાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ પાછળ 17 કરોડ
- કઠવાડા, દહેગામ, શેલા, મહેમદાવાદમાં ઓડિટોરિયમ પાછળ વધુ 50 કરોડ. નાંદેજ, સાણંદમાં ગાર્ડન-તળાવનાં કામ માટે 10 કરોડ, સિંગરવામાં પાર્ટીપ્લોટ ખાતે 10 કરોડ
- મણિપુર, કલોલમાં રમતગમતના મેદાન માટે 10.60 કરોડ
- વનીકરણના કામ માટે બે કરોડ, સાણંદ, કલોલ, દહેગામ, મહેમદાવાદમાં માળાખાકીય સુવિધા ઊભી કરવા 35.50 કરોડ
- 168 ગામોનાં વિકાસ કામો માટે 20 કરોડ
- સ્ટ્રીટલાઈટનાં કામો માટે 9.60 કરોડ, સ્મશાનગૃહનાં કામો માટે 8.20 કરોડ, શૌચાલયનાં કામો માટે 50 લાખ, ડિજિટલાઇઝેશનનાં કામો માટે એક કરોડ, સ્વચ્છતા અભિયાન હેઠળ 50 લાખ
- સોલર પેનલ ફોર સેલ્ફ સસ્ટેનના કામ માટે 50 લાખ
- મિલન કેન્દ્ર માટે 4.10 કરોડ, રિડેવલોપ હાઉસિંગ માટે 5 કરોડ
- બોપલ ફાયર સ્ટેશનના કામ માટે 9.50 કરોડની જોગવાઈ
સનાથલ બ્રિજ જુલાઈ સુધીમાં તૈયાર થશે
કોરોનાના લીધે સનાથલ, ઝુંડાલ અને દહેગામ બ્રિજનાં કામોને અસર થઈ હતી. વિવિધ પ્રોજેક્ટમાં છ માસની સમયમર્યાદા વધારી ઝડપથી કામગીરી હાથ ધરાઈ હતી. વધારેલી સમયમર્યાદામાં ત્રણેય બ્રિજ આગામી જુલાઈ સુધીમાં તૈયાર થઇ જશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભોસ્કર
11 Comments