સુરત મેટ્રો ટ્રેન:6 દિવસ પછી મેટ્રોના બેરિકેટ્સ લાગતા રસ્તાઓ ડાયવર્ટ કરાશે, તાપી પર સામાન્ય કરતા 5 મીટર ઊંચો બ્રિજ હશે
- 5 ફેબ્રુઆરીથી મેટ્રો લાઈન – 1માં 15 કિમી રૂટ પર જિયોટેક્નિકલ કામ શરૂ થશે, મેટ્રો કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને પાલિકા બેઠક કરી ડાયવર્ઝન પોઇન્ટ નક્કી કરશે
- ફેઝ-2ના ટેન્ડર માર્ચમાં જાહેર કરાશે
આગામી છ દિવસ પછી મેટ્રો રૂટના રસ્તાઓ પર મેટ્રોના બેરિક્ટ્સ જોવા મળશે. કેમ કે સુરત મેટ્રો રેલ કોર્પોરેશન 5 ફેબ્રુઆરીથી મેટ્રો લાઇન-1ના 15 કિલોમીટર રૂટ પર જિયોનોટિકલ ટેસ્ટિંગનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે બેરિકેટીંગ કરીને મશીનરી ગોઠવવામાં આવશે. બેરિકેટીંગને કારણે સુરતીઓને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ અને સુરત પાલિકા બેઠક કરશે, જેમાં ક્યાં પોઇન્ટ પર ડાયવર્ઝન પોઇન્ટ રાખવા તેમજ ટ્રાફિકને ક્યાં રૂટ પર ડાયવર્ટ કરવો તે અંગેના નિર્ણયો લેશે.
બીજી તરફ મેટ્રો ફેઝ-2નો ભેસાણથી સારોલી મેટ્રો રૂટ માટેના ટેન્ડર પણ એક મહિનામાં જાહેર કરે તેવું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભેસાણથી સારોલી સુધીના રૂટમાં અઠવાલાઇન્સ ચોપાટી પાસે તાપી નદી પર મેટ્રો બ્રિજ તૈયાર કરશે. આ બ્રિજની ઉંચાઈ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન પુરને ધ્યાનમાં રાખીને સામાન્ય બ્રિજની ઉંચાઇ કરતા પાંચ મીટર ઉંચો બનાવવાનો નિર્ણય કર્યો છે. આ બ્રિજ તૈયાર થયા પછી તાપી નદી પરનો અત્યાર સુધીનો સૌથી ઉંચો બ્રિજ બનશે.
ટ્રાફિક સમસ્યા ન થાય તેવો પ્રયાસ
જ્યાં મેટ્રોનું કામ શરૂ થઈ ગયુ છે તે રોડ પર પાંચ ફેબ્રુઆરી પછી અલગ અલગ જગ્યા પર બેરિકેડિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવશે ત્યાર બાદ નક્કી કરેલા રૂટ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવાનું શરૂ કરાશે. સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના જીએમ (સિવિલ)સત્ય પ્રકાશ ઝાએ જણાવ્યું હતું કે, રોડ ટ્રાફિકને સારી રીતે ડાયવર્ટ કરાશે, જેનાથી ટ્રાફિક ઓછામાં ઓછું થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેના માટે શહેર ટ્રાફિક પોલીસ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક સેલ સાથે ફેબ્રુઆરી મહિનામાં પહેલા બે દિવસમાં બેઠક કરીને ટ્રાફિક વાળા રોડની ઓળખ કરવામાં આવશે જે મેટ્રો રેલ એલાયમેન્ટમાં સૌથી વધારે ટ્રાફિક વાળો રોડ છે. ત્યાર બાદ તેને કેવી રીતે ડાયવર્ટ કરવો તેને લઈને યોજના તૈયાર કરવામાં આવશે.
ટનલિંગ વખતે કોઇ ધ્રુજારી કે ઝટકા અનુભવાશે નહીં
અંડરગ્રાઉન્ડ રૂટ તૈયાર કરવા માટે ત્રણ ટીબીએમ મશીન સુરત આવવામાં હજી 6 મહિનાનો સમય લાગશે. જે દરમિયાન તેનું ટેસ્ટિંગ પણ થશે. ટેસ્ટિંગ પછી આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં અંડરગ્રાઉન્ડ કામ શરૂ કરાશે.જેમાં આ મશીન જમીનની અંદર 16થી 28 મીટર સુધી ઉંડાઈમાં 6.5 મીટર વ્યાસમાં જમીનને કાપીને આગળ વધશે. કાપવાની સાથે સાથે કોંક્રિટના લેવલ પણ તૈયાર કરશે. જે એક મીટરનું લેયર લગાવ્યા પછી ટનલ 5.6 મીટરની થઈ જશે. જમીનની અંદર ટનિલિંગ પ્રક્રિયા અંતર્ગત લોકોને ડર છે કે, મોટા અવાજો થશે. પરંતુ ટીબીએમ મશીનોથી જે ઝટકા લાગશે તે માત્ર 5.6 હર્ટઝ ફિકવન્સીનો હશે.
ટનલિંગના 15 દિવસ પહેલા સરવે કરાશે
સુરત મેટ્રો રેલ કોર્પોરેશને જણાવ્યુ છે કે, 3.47 કિલોમીટરમાં જ્યાં જ્યા ટનલિંગ પ્રક્રિયા થશે તેના પર કુલ 5 બિલ્ડિંગો જ છે જે જૂની છે. તેેના માટે આગળના 15 દિવસ અમે જિયોટેક્નિકલ સર્વે કરીશું. જેમાં એ જાણીશું કે, કંઈ બિલ્ડિંગ કેટલી જુની છે. જેના માટે અમે 120 લોકોની ટેક્નિકલ ટીમ તૈયાર કરીશું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
16 Comments