રાજ્ય સરકાર Stamp Duty અને GST હંગામી ધોરણે બંધ કરે- અજય પટેલ, પ્રેસિડેન્ટ, ગાહેડ-ક્રેડાઈ
કોરોના પછી, માર્કેટમાં માંગ અને પુરવઠાની શું સ્થિતિ છે ?
કોરોના વાયરસ એ એક અણધારી મહામારી છે જે સમયાંતરે દૂર થઈ જશે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં ભયાનક ભૂકંપે આખું રીયલ એસ્ટેટ માર્કેટને તહસ-નહસ કરી દીધું હતું. તેમાં પણ ગુજરાત ખમીરભેર બેઠું થઈ ગયું હતું અને રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો માહોલ સર્જાયો હતો અને મકાનોની લેવાલી અને નિર્માંણકાર્યે વાયુવેગે ગતિ પકડી હતી. એજ રીતે, હાલ પણ કોરોના એક અણધારી મહામારી છે, જે સમયાંતરે જતી રહેશે અને માર્કેટ ફરીથી ઉત્સાહપૂર્વક શરુ થઈ જશે.
માર્કેટમાં માંગની વાત કરીએ તો, કોરોના દરમિયાન સૌ લોકો પોતાના ઘરોમાં બંધ હતા. જેથી, સૌ કોઈને ઘરનું મહત્વ સમજાયું છે. જેથી, હવે દરેક લોકો શહેરથી દૂરના વિસ્તારોમાં મોટા અને ગેલેરીવાળા મકાનો કે બંગલો તેમજ પ્લોટિંગ પ્લોટ લેવા પ્રોત્સાહિત થયા હશે. જેથી, હાલ અને આવનારા દિવસોમાં માંગમાં વધારો થશે. નોંધનીય છેકે, અમદાવાદમાં જેટલા યુનિટો નિર્માંણ પામે છે તેની સામે વેચાણ વધારે છે.જેથી, મકાનોનો ડેડ સ્ટોક પણ નથી.આથી માર્કેટમાં માંગ સારી છે અને રહેશે.
કોવિડ-19 બાદ, રીયલ એસ્ટેટ માર્કેટને બેઠું કરવા સરકાર તરફથી શું માંગણીઓ છે ?
રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન માર્કેટ ફરી ગતિમાન કરવા રાજ્ય સરકારે, જીએસટી, સ્ટેમ્પ ડ્યૂટીમાં હંગામી ધોરણે ઘટાડો કરવો જોઈએ. હાલ તો, છ મહિના સુધીમાં જીએસટી બંધ કરી દેવો જોઈએ. એટલે કે, માર્ચ-2021 સુધી જીએસટી ન લેવો જોઈએ. તેમજ સ્ટેમ્પ ડ્યૂટીમાં પણ હંગામી ધોરણે 50 ટકાનો ઘટાડો કરવો જોઈએ. આ અંગે ગાહેડ-ક્રેડાઈ તરફથી અઢિયા કમિટીમાં રજૂઆતો પણ કરી છે. અને અમને આશા છેકે, રીયલ એસ્ટેટ માર્કેટને બેઠું કરવા માટે સરકાર તરફથી સહાય મળશે. આ પ્રકારની માંગણીઓ અંતે તો, અમે ગ્રાહકોના હિત માટે જ કરીએ છીએ.
રીયલ એસ્ટેટ-કંસ્ટ્રક્શન માટેના અભિન્ન અંગ સમા મજૂરો અંગે આપનો શું મત છે ?
કોરોના દરમિયાન અમદાવાદના મોટાભાગના ડેવલપર્સે સાઈટો પરના મજૂરોને સાચવ્યા અને તેમની પાયાની સુવિદ્યાઓ પુરી પાડી છે. પરંતુ,આતંરિક રાજ્યોના મજૂરો માદરે વતન જવાના મુદ્દે, અમદાવાદમાં કામ કરતાં મજૂરો પણ પોતાના માદરે વતનમાં જતા રહ્યા. પરંતુ, હવે ધીમે ધીમે મજૂરો પ્રોજેક્ટ પર પરત આવી રહ્યા છે અને કામ શરુ કરી દીધું છે. 20 ટકા જેટલા મજૂરો પ્રોજેક્ટ સાઈટ કાર્યરત થયા છે અન્ય મજૂરો હજુ આવી રહ્યા છે. દરેક ડેવલપર્સને એવું છેકે, હવે જેટલું બને તેટલું જલદી મકાનોનું નિર્માંણ થાય અને ગ્રાહકોને મકાનો મળે. અને ફરી માર્કેટમાં લિક્વીટીડીની સાઈકલ ગતિશીલ થાય.
મકાન ખરીદનારાઓ અને રોકાણકારોને આકર્ષક કરવા ડેવલપર્સે શું કરી રહ્યા છે ?
કોવિડમાં પણ જે લોકોને મકાન કે એપાર્ટમેન્ટ ખરેખર લેવાનો છે તે તો લઈ લેશે. તેમાં કોઈ બેમત નથી. હાલ માર્કેટમાં સ્થિતિ એવી છેકે, ઓનગોઈંગ પ્રોજેક્ટમાં માંગ વધશે અને અપકમિંગ પ્રોજેક્ટમાં વિલંબ થશે તેથી, જે લોકોને મકાન કે ઓફિસ ખરીદવી છે, તે ચાલુ પ્રોજેક્ટ ખરીદશે જેથી, ચાલુ પ્રોજેક્ટમાં માંગ વધશે. જોકે, માર્કેટમાં મકાનોની કિંમતમાં કોઈ જ ઘટાડો થાય તેવું અણસાર દેખાતો નથી.
રીટેલ માર્કેટ અંગે આપનો શું મત છે ?
કોવિડ-19ને કારણે, રીટેલ માર્કેટમાં એક પ્રકારનો ભ્રમ થયો છેકે, હવે તો, શો રુમ કે રીટેલ માર્કેટ નહીં વેચાય પરંતુ, એવું શક્ય જ નથી, આ સ્થિતિ માત્ર થોડા દિવસોની છે. એક વખત માર્કેટ સુચારુ થશે ત્યારે સૌ કોઈ શોપિંગ મોલ, હોટલ અને રેસ્ટટોરન્ટમાં જમવા જશે અને ખરીદી પણ કરશે. પરંતુ, દરેક વ્યકિત પોતાના ખર્ચ પર કાપ મૂકશે. એટલે કે, જે લોકો 50 રુપિયાનો ખર્ચ કરતા હતા, તે હવે 30 રુપિયાનો કરશે. અને જે લોકો 30 રુપિયાનો ખર્ચ કરતા હતા, તે હવે 10 રુપિયાનો કરશે.આ રીતે લોકો પોતાના ખર્ચમાં ઘટાડો કરશે. પરંતુ, સંપૂર્ણ બંધ કરશે તેવું તો શક્ય જ નથી. ઉલટાનું કોરોના દરમિયાન પગારદાર કર્મચારીઓ અને બિઝનેસમેનો પાસે તો બચત થઈ છે. કારણ કે, કોરોના દરમિયાન કોઈ જ પ્રકારના મોજશોખમાં રુપિયા ખર્ચાયા જ નથી. આ બચત આવનારા દિવસોમાં એક મોટી માંગ બનીને માર્કેટમાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments