ધોળાવીરા પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી
એક પ્રવેશ દ્વારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડ્યું હશે અને આપણા પૂર્વજોમાંથી કોઈકે એને સંભાળી બાજુમાં રાખ્યું હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે. અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.
આખા નગરમાં ધર્મસ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય. મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.
ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:
- રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ
- અન્ય અધિકારીઓનાં આવાસ
- સામાન્ય નગરજનોનાં આવાસ
નગરમાં શાશક અધિકારીનો રાજમહેલ ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં. અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યાં હતાં. સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.
સૌજન્ય ગુજરાત સરકાર
3 Comments