199 કરોડના ખર્ચે વર્ષ 2024 સુધી એરપોર્ટ જેવી સુવિધાવાળુ ઉધના ગ્રીન રેલવે સ્ટેશન બનાવાશે
Udhana Green Railway Station will be built with airport-like facilities by 2024 at a cost of 199 crores.
સુરત અને ઉધના રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવાની યોજના સરકારે અમલમાં લાવી દીધી છે. આ બંને રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી ચૂકી છે. મંગળવારે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે આ મુદ્દે માહિતી આપતાં સોશિયલ મીડિયા પર ભવિષ્યમાં ઉધના રેલવે સ્ટેશન કેવું દેખાશે એની ગ્રાફીકલ તસ્વીર શેર કરી હતી.
રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે વર્ષ 2024ના જૂન મહિના સુધીમાં કુલ 199.02 કરોડ રૂપિયાના ખર્ચે ઉધના રેલવે સ્ટેશનની કાયાકલ્પ થઇ જશે.ઉધના રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.
ગુજરાતનું પ્રથમ એલિવેટેડ કોનકોર્સ પણ તૈયાર કરાશે. ઉધના રેલવે સ્ટેશન પર બાળકો માટે રમવાના સાધનો અને રેસ્ટોરન્ટનું પણ નિર્માણ કરવામાં આવશે. વર્ષ 2060 સુધી ઉધના રેલવે સ્ટેશન પરથી દરરોજ એક 1 લાખથી વધુ લોકો અવરજવર કરશે તેવો અંદાજ માંડવામાં આવ્યો છે.
પ્લેટફોર્મ નં.1 અને 2ની ઉપર 9 મીટર ઊંચાઈએ 40 મીટર પહોળો અને 60 મીટર લાંબો એલિવેટેડ એરિયા બનશે
ગુજરાતના પ્રથમ એલિવેટેડે કોનકોર્સ માટે ઉધનાના પ્લેટફોર્મ નંબર 1 અને 2ની ઉપર 9 મીટર ઊંચાઈએ 40 મીટર પહોળો અને 60 મીટર લાંબો એલિવેટેડ એરિયા બનાવાશે.4 લિફ્ટ તેમજ 3 એસ્કેલેટર્સ હશે. તમામ પ્લેટફોર્મ પર પહોંચી શકાય તે રીતે એસ્કેલેટર્સ પણ મુકવામાં આવશે.રેલવે સ્ટેશનના વેઈટિંગ એરિયામાં ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે તેની માહિતી એલઈડી સ્ક્રીન પર જણાવવામાં આવશે. રેલવે સ્ટેશનના વેઈટિંગ લોંજમાં બેઠાં-બેઠાં મુસાફરો ટ્રેનોને પસાર થતી જોઈ શકશે.
આ વિશેષ સુવિધાઓ હશે ઉધના રેલવે સ્ટેશને
- રેલવે સ્ટેશન દિવ્યાંગ ફ્રેન્ડલી હશે, દિવ્યાંગ મુસાફર સરળતાથી રેલવે સ્ટેશન પર ફરી શકે અને સંસાધનોનો ઉપયોગ કરી શકે એવી ડિઝાઇન હશે.
- સ્માર્ટ અને ગ્રીન રેલવે સ્ટેશન, ઇકોફ્રેન્ડલી.
- પૂરતો પેસેન્જર અને વ્યવસાયિક એરિયા મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
13 Comments