મહેસાણા, મોઢેરા ચોકડી પર ગુજરાતના સૌથી મોટા અંડરપાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
Inauguration of Gujarat's largest underpass at Mehsana Modhera in chowkdi by the Chief Minister
પાલનપુર- અમદાવાદ હાઈવે પર મહેસાણાના મોઢેરા ચાર રસ્તા ઉપર રાજ્યના સૌથી મોટા રૂ. 147 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન અંડરપાસ શરૂ કરાતાં ઘણા વર્ષોથી હાઇવે પર સર્જાતી માથાના દુ:ખાવા સમાન ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે. પોણા બે વર્ષની સતત કામગીરી બાદ બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંડરપાસનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકતાં વાહનચાલકોએ અહીંથી પસાર થતાં ખુશી વ્યક્ત કરી હતી. મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહેસાણા શહેરને આજે ગુજરાતના સૌથી મોટા અંડરપાસની ભેટ મળી છે, જે આ શહેરનું ઘરેણું છે તેમ જણાવી દેશમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી હકારાત્મક દિશામાં કામ કરી રહી છે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જાહેરસભાને સંબોધતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીંધેલા જનસેવાના માર્ગ પર ચાલવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું, તેથી આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતના શહેરોને રહેવાલાયક અને ચાહવાલાયક બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, સરકાર સંસ્કૃતિને વરેલી છે. છેવાડાના માનવીનો વિકાસ તેનો મંત્ર છે ત્યારે મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.1117 કરોડના 656 કામો થયાં છે જે વિકાસની ગતિ બતાવે છે.
મોદીએ વધુમાં જણાવ્યું કે, 445 કરોડના ખર્ચે મહેસાણા થી પાલનપુરનો ફ્લાય ઓવર સાથેનો સિક્સ લાઈન રોડ, 120 કરોડના ખર્ચે ઐતિહાસિક મોઢેરાને જોડતો મહેસાણા થી બહુચરાજીનો ફોરલાઈન રોડને મંજૂરી અપાઇ છે જેનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. શક્તિપીઠ અંબાજી ખાતે નવીન બાયપાસ રોડની મંજૂરી તેમજ વિસનગરમાં 37 કરોડના ખર્ચે નવી આઈટીઆઈ માટે મંજૂરી આપી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મહેસાણામાં નવી સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરાશે. ટેન્ડર મંજૂર થઈ ગયું છે. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, જિ.પં. પ્રમુખ પ્રહલાદ પરમાર, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, ધારાસભ્યો અજમલજી ઠાકોર અને કરશન સોલંકી, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પી.આર.પટેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત હાજર રહ્યા હતા.
અંડરપાસની આ છે ખાસિયતો:- મોટા શહેરોને અનુરૂપ મહેસાણા શહેરમાં બનેલ સરદાર પટેલ અંડરમાં શહેરી ટ્રાફિકને તથા બસ સ્ટેશનને અનુકૂળ રહે તેમ એસટીડેપો, મોઢેરા સર્કલ તેમજ માલ ગોડાઉન ખાતે ત્રણ બોક્સ બનાવાયાં છે. એ સિવાય અંડરપાસમાં 12 લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતાના 4 અંડર ગ્રાઉન્ડ સમ્પ બનાવાયા છે. વરસાદી પાણીને ખારી નદી સુધી પહોંચાડવા માટે 8 પંપ પણ લગાવાયાં છે. જ્યારે શહેરના વરસાદી પાણીના નિકાલ માટે અંડરપાસના નવા સર્વિસ રોડની બંને બાજુએ 900 મીટર વ્યાસની 2 વરસાદી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવી છે.
અંડરપાસથી આ લાભ થશે
- 917 મીટર લાંબા નવીન બનાવેલા અંડરપાસથી મોઢેરા ચાર રસ્તા પર સર્જાતી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે.
- મોઢેરા ચાર રસ્તા પરનો મહેસાણા શહેરનો મુખ્ય વિસ્તાર હોય તેમજ એપીએમસી, માલ ગોડાઉન વિસ્તાર, બસ સ્ટેશન, સ્કૂલ કોલેજ, દેવસ્થાન, રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં શહેરીજનો ટ્રાફિકની અડચણ વિના ખૂબ જ સરળતાથી અવરજવર કરી શકશે.
- અમદાવાદથી પાલનપુર અને રાજસ્થાન જતા અને રાજસ્થાનથી આવતાં વાહન ચાલકો ટ્રાફિકની અડચણ વિના અંડરપાસ માંથી સડસડાટ પસાર થઈ શકશે.
- અંડરપાસની કામગીરીમાં ચારમાર્ગીય હયાત રસ્તાને ત્રણ કિલોમીટર લંબાઇમાં મજબૂતીકરણ તેમજ બંને બાજુના હયાત સર્વિસ રોડને પહોળો કરાતાં વાહન ચાલકો માટે ખૂબ ઉપયોગી બની રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments