મહેસાણામાં એક કિમી લાંબા અંડરપાસ સહિત હાઈવેનું 20મીએ CM લોકાર્પણ કરશે
CM will inaugurate highway including one km long underpass in Mehsana on 20th
મહેસાણાના મોઢેરા ચાર રસ્તા ઉપર રૂ.141 કરોડના ખર્ચે બનેલા અંદાજે એક કિલોમીટર (927 મીટર) લાંબા અને 20 મીટર પહોળા અંડરપાસ સહિત હાઈવે પર અંધારપટ હોવા છતાં બુધવારે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવાની જાહેરાત કરાઇ છે. લાંબા સમયથી તૈયાર અંડરપાસ સત્તાપક્ષ ભાજપ પહેલાં જ સોમવારે કોંગ્રેસે ખુલ્લો મૂકી દેતાં દોડી આવેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અહીં પ્રેસ કોન્ફરન્સ કરી ઉદઘાટનની જાહેરાત કરવી પડી હતી. જ્યારે ખૂલ્લો મૂકી દીધેલ અંડરપાસ તંત્રએ જેસીબીની આડશ મૂકી બંધ કરી દીધો હતો.
પાલનપુર- અમદાવાદ હાઈવે પર મહેસાણાના મોઢેરા ચાર રસ્તાથી લઇ ગાયત્રી મંદિર સુધી રોજે રોજ સર્જાતી માથાના દુ:ખાવા સમાન ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રૂ.141 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા મોઢેરા ચોકડી પર અંડરપાસ બનાવવાયો છે.
તૈયાર થઈ ગયેલા આ અંડરપાસનું બુધવારે સાંજે 5 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મુકશે તેવી જાહેરાત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોમવારે કરી હતી. અંડરપાસના લોકાર્પણ બાદ વિમલ પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રી જાહેરસભા સંબોધશે. મુખ્યમંત્રીના હસ્તે થનારા આ કાર્યક્રમના આયોજનને લઈ નીતિનભાઈ પટેલે સોમવારે ભાજપ સંગઠન, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓની બેઠક યોજી હતી.
સ્ટ્રીટલાઈટનું કામકાજ બાકી પણ પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરાશે
બુધવારે ખુલ્લો મુકાનાર અંડરપાસમાં હજુ સ્ટ્રીટ લાઈટનું કામ બાકી છે. તેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાશે. જ્યારે કલરકામની કામગીરી ચાલુ છે, જે બે દિવસમાં પૂર્ણ થઈ જશે તેમ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર જય પટેલે જણાવ્યું હતું.
રાજકીય જશ ખાટવા અંડરપાસના ઉદઘાટનના નામે કોંગ્રેસે નાટક કર્યું
માત્ર રાજકીય જશ ખાટવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત ગણ્યા ગાંઠ્યા કાર્યકરોએ સોમવારે સવારે તૈયાર થઈ ગયેલા મોઢેરા ચોકડી અંડરપાસની રિબિન કાપી માત્ર અડધો કલાક વાહન જવા દઇ લોકોને બતાવવા પૂરતું અંડરપાસના ઉદ્ઘાટનના નામે નાટક કર્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments