અમદાવાદ અને વડોદરા મહાનગરોની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીની મંજુરી
CM approves total 4 town planning schemes of Ahmedabad and Vadodara metros
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવી નાગરિકો માટે સુખ સુવિધા વૃદ્ધિના કામો સહિત આંતર માળખાકીય કામો ઝડપી બને તેવો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ અમદાવાદ અને વડોદરાની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મહાનગર પાલિકાની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
ભૂપેન્દ્ર પટેલે ઔડાની જે બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરી છે તેમાં ટી.પી સ્કીમ 139/એ છારોડી -નારણપુરા ખોડા અને 139/બી છારોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં વડોદરા મહાનગર પાલિકાની પ્રારંભિક ટી.પી . નંબર 3 સેવાસી અને 55/એ ગોરવા કરોડિયાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ઔડાની 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને વડોદરા મહાનગર પાલિકાની 2 પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ એમ કુલ ચાર ટી.પી સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે 12.43 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે.
ઔડાની ડ્રાફ્ટ ટી.પી. 139એ માં 3600 અને 139 બીમાં 5400 મળી કુલ 9 હજાર EWS આવાસો નિર્માણ થઇ શકશે. વડોદરામાં પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ 3 સેવાસીમા 900 અને પ્રિલીમીનરી ટી.પી. 55એ ગોરવા કોરડિયામાં 1200 આવાસો બની શકશે. બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે આ ચાર ટી.પી.સ્કીમમાં કુલ 9.81 હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે 11.55 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે આ 4 સ્કીમમાં કુલ આશરે 28.29 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. તદઅનુસાર, ઔડાની ડ્રાફ્ટ ટી.પી. 139એ માં 13.93 હેક્ટર અને 139બી માં 9.61 હેક્ટર જમીન વેચાણ માટે સંપ્રાપ્ત થશે. વડોદરામાં બે પ્રીલીમીનરી ટી.પી.માં આજ હેતુસર કૂલ 4.75 હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, આગામી સમયમાં આ ચારેય સ્કીમમાં કુલ 11,100 EWS આવાસો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉપલબ્ધ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
8 Comments