180 હેક્ટરમાં ભાવનગરમાં આકાર લેશે સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ, તેમજ દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ બનશે
The first Brown Field Port to be set up in Bhavnagar on 180 hectares, besides being the world's first CNG terminal.
ભાવનગરમા દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ
હવે ભાવનગર નવા બંદર ખાતે દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ આવી રહ્યું છે, તેના માટેના તમામ પ્રકારના પરીક્ષણો સંપૂર્ણ થઈ ચૂક્યા છે, વર્ષાન્તે પ્રોજેકટના ખાતમૂહૂર્ત ની તૈયારીઓ પણ ચાલી રહી છે. લંડનના ફોરસાઈટ ગ્રુપ, મુંબઈના પદ્મનાભ મફતલાલ ગ્રુપ, નેધરલેન્ડના રોયલ બોસ્કાલિસ ગ્રુપ દ્વારા ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ સ્થાપવા માટે ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢી ની સ્થાપના કરવામાં આવી છે.
નોર્થક્વે ખાતે મલ્ટિફંકશનલ પોર્ટ બનશે
ભાવનગર નવા બંદરના નોર્થક્વે ખાતે મલ્ટિફંકશનલ પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઇન્ટરનેટ પણ આપી દેવામાં આવેલું છે તથા ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) ની પ્રક્રિયા હાલ ગતિમાન છે. સીએનજીનો ટર્મિનલ ની સ્થાપના કરતાં પૂર્વે જુદા જુદા પ્રકારના અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
ભાવનગર જિલ્લા કલેકટર સમક્ષ પ્રપોઝલ મોકલાઈ
તાજેતરમાં દરિયાઈ ભરતી અને દરિયાઈ મોજા અંગેનો ટેકનિકલ સ્ટડી કરવામાં આવ્યો હતો. 180 હેકટર જમીન પર આકાર લેનાર પ્રોજેક્ટ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટર સમક્ષ પ્રપોઝલ મોકલવામાં આવેલી છે અને કલેક્ટર કચેરી ખાતેથી રાજ્ય સરકારમાં જમીન અધિગ્રહણ અંગેની દરખાસ્તો મોકલી આપવામાં આવેલી છે.
45 મીટર પહોળાઈ ધરાવતા જહાજો આસાનીથી આવી શકશે
ભાવનગર નવા બંદર ખાતે સીએનજી ટર્મિનલ સુધી 14 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા જહાજો લાવી શકાય કેવા પ્રકારની અધ્યતન વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર છે. ભાવનગર એન્કરેજ થી લઇ અને નવા બંદર સુધી ની ચેનલ અને બેસિનમાં મોટા પાયે ડ્રેજીગ હાથ ધરવામાં આવશે અને તેના કારણે 14 મીટર નો ડ્રાફ્ટ, 45 મીટર પહોળાઈ ધરાવતા જહાજો પણ નવાબંદર બેસીન સુધી આસાનીથી આવી શકશે.
સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટ 1900 કરોડનો હોવાનો અંદાજ
CNG ટર્મિનલ એ ભાવનગરનો ગેમ ચેન્જર પ્રોજેક્ટ છે. જેમાં એક સાથે પાંચ જહાજો કામ કરી શકે તેવા બર્ધીગ પોઈન્ટ બનાવવામાં આવનાર છે. સમગ્ર સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટ 1900 કરોડ રૂપિયાનો છે, તે પૈકી પ્રથમ તબક્કામાં 650 કરોડના કામ હાથ ધરવામાં આવનાર છે. કોઈપણ પ્રોજેક્ટ માટે રસ્તા, પાણી અને વિજળી ની પ્રાથમિક જરૂરિયાત હોય છે.
આનંદનગર થી નવાબંદર સુધી ફોર ટ્રેક રસ્તો પાયાની જરૂરિયાત
ભાવનગર નવા બંદર ખાતે પાણી અને વીજળી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ આનંદનગર થી નવાબંદર સુધી ફોર ટ્રેક રસ્તો બનાવવાની પાયાની જરૂરિયાત છે, આ અંગે પીડબલ્યુડી અને ભાવનગર મહાનગરપાલિકામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આનંદનગર થી નવાબંદર સુધીનો ફોરટ્રેક રોડ બનાવવા સુધીની હજુ સુધી કોઈ મંજૂરી મળેલ નથી. ગુજરાત સરકાર અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા ખાનગી કંપની ના માધ્યમથી સૌપ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટનું આયોજન ભાવનગર ખાતે હાથ ધરવામાં આવી રહ્યું છે. અને આ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વર્ષ 2022ના વર્ષાંતે થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
સીએનજી ટર્મિનલથી વિકાસ થશે
વર્ષોથી ભાવનગર બંદર ની અગત્યતા સમગ્ર દેશ માટે રહી છે. સીએનજી ટર્મિનલનો પ્રોજેક્ટ ભાવનગર બંદર ખાતે આવી રહ્યો છે જેના વડે ભાવનગર જિલ્લાની કાયાપલટ થઇ શકે તેમ છે. હાલ આ પ્રોજેક્ટની પ્રાથમિક બાબતોની કામગીરી ગતિમાં છે. – કેપ્ટન રાકેશ મિશ્રા, પોર્ટ ઓફીસર, જીએમબી, ભાવનગર
શા માટે ભાવનગરનો પ્રોજેક્ટ અગત્યનો છે?
સીએનજીનો ઇંધણ તરીકે ઉપયોગ સમગ્ર વિશ્વમાં અને દેશમાં વ્યાપક પણે કરવામાં આવી રહ્યો છે. સીએનજી ની આયાત કરવા માટે પોર્ટની ખૂબ જરૂરિયાત રહે છે. સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતનું સૌથી નજીકનું બંદર ભાવનગર છે. ઉપરાંત ભાવનગરની નજીક ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર) આકાર લઈ રહ્યું છે. આ તમામ ની દ્રષ્ટિએ ભાવનગર ખાતે આકાર લેનાર સીએનજી ટર્મિનલ સૌથી મહત્વનું સાબિત થઈ શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments