AMC ડ્રાફ્ટ બજેટ રજૂ:ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર-નરોડા પાટિયામાં 4 નવા ફ્લાય ઓવર બ્રિજ બનશે, બોપલ-ઘુમામાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરાશે
- અમદાવાદ મ્યુનિ.કમિશનરે વર્ષ 2021-22 માટેનું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, કરવેરામાં કોઈ વધારો નહીં
- કોરોના મહામારીને કારણે આ વર્ષના બજેટમાં 1432 કરોડનો ઘટાડો થયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું ડ્રાફટ બજેટ આજે બુધવારે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કર્યું હતું. કમિશનરે રૂ. 7475 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર અને નરોડા પાટિયામાં 4 નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરાશે.
ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે અમદાવાદીઓને રાહત આપતા સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નથી. ગત વર્ષે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રૂ. 8907.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ. 777.67 કરોડનો વધારો શાસક પક્ષે કર્યો હતો અને રૂ. 9685 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું, જેમાં મોટા ભાગનાં કામ કોરોના મહામારીને કારણે બાકી રહી ગયાં છે. કોરોના મહામારીના કારણે બજેટનું કદ ગત વર્ષ કરતાં ઘટ્યું છે. ગત વર્ષ કરતાં રૂ. 1432 કરોડના ઘટાડા સાથે બજેટ મુકેશકુમારે રજૂ કર્યું છે.
આરોગ્ય
- વી.એસ, એલ.જી, શારદાબેન હોસ્પિટલનું નવિનીકરણ થશે
- પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ વોર્ડમાં બનાવવામાં આવનારાં 30 બેડની હોસ્પિટલનું 100 બેડની હોસ્પિટલમાં અપગ્રેડેશન
- રાયખડ, સરખેજ, બોપલ, કુબેરનગર, ગોતા (ઓગણજ), વેજલપુર, મોટેરા, વટવા, વસ્ત્રાલ, નરોડા, અમરાઈવાડીમા નવા અર્બન હેલ્થ સેન્ટર બનશે
હાઉસિંગ
- શહેરમાં 20 હજાર 489 નવાં આવાસો બનશે, જેમાં EWS-1 ( 30 ચો.મી. સુધી) 4,772 અને EWS-2 કેટેગરીમાં (30 ચો.મી.થી વધુ 40 ચો.મી. સુધી) 15717 આવાસો બનશે.
પાણી
- શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તાર બોપલ- ઘુમા, કઠવાડા, ચિલોડા માટે વોટર, ડ્રેનેજ, રોડ જેવી માળખાગત સુવિધા માટે 110 કરોડની ફાળવણી.
- 16 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન બનશે.
રોડ
- 45 કરોડના ખર્ચે નવા સમાવિષ્ટ વિસ્તાર માટે નવા 20 કિ.મીના રોડ બનાવવાનું આયોજન, ચાલુ વર્ષમાં 45 કિ.મીના નવા રોડ ખુલ્લા મૂકવાનું આયોજન.
ડ્રેનેજ
- 20 કરોડના ખર્ચે નવા સમાવિષ્ટ વિસ્તારમાં STP અને SPS બનાવવાનું આયોજન.
અર્બન ટ્રાન્સપોર્ટેશન
- હાલમાં AMTSની 900 બસ દૈનિક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડે છે, જેમાં હવે નવી 150 મીડી બસો લેવાનું આયોજન છે.
- 150 ઈલેક્ટ્રિક A.C. બસો ખરીદાશે,
- 7 કરોડના ખર્ચે સેન્સર સંચાલિત ઓટોમેટિક સ્વિંગ ગેટ બનાવાશે.
- નારણપુરા તથા વસ્ત્રાલમાં ઈ-બસો માટેના ચાર્જિંગ અને પાર્કિંગ ડેપો બનાવાશે.
કમ્યુનિટી હોલ તથા ઓડિટોરિયમ
- 30 કરોડના ખર્ચે શહેરમાં કમ્યુનિટી હોલ તથા ઓડિટોરિયમ બનાવાશે.
- પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા વોર્ડમાં કમ્યુનિટી હોલ બનશે.
- ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા અને ચાંદલોડિયા વોર્ડમાં કમ્યુનિટી હોલ બનશે.
- સાંઈ ઝુલેલાલ ઓડિટોરિયમ કમ બેન્કવેટ હોલ બનશે.
શિક્ષણ
- શહેરમાં 23.75 કરોડના ખર્ચે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સ્કૂલ બનાવવાનું આયોજન.
- પૂર્વ ઝોનમાં રામોલ, હાથીજણ અને વિનોબા ભાવે નગર પાસે સ્કૂલ તથા વસ્ત્રાલમાં મોડલ સ્કૂલ બનાવવાનું આયોજન.
- બહેરામપુરામાં સ્કૂલ બનાવવાનું કામ પ્રગતિમાં છે.
તળાવનું કામ
- 24 કરોડના ખર્ચે શહેરમાં તળાવોનાં કામ થશે
- ગોતા, સોલા, ઊગતી તળાવ, અસારવા, ગોટીલા તળાવ, નિકોલમાં તળાવ બનાવવાની કામગીરી હાથ ધરાશે.
બગીચા
- 30 કરોડના ખર્ચે બગીચાનાં કામ થશે.
- શહેરમાં હયાત કુલ 25 ગાર્ડન છે.
- નવા 14 બગીચા ડેવલપ કરાશે.
- 15 હયાત બગીચાનું નવિનીકરણ થશે.
- 5.20 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોન સરખેજ વોર્ડમાં મકરબા ક્રોસિંગથી ટોરેન્ટ ક્રોસિંગ સુધી સિન્ટેથિક ગાર્ડન બનશે.
- બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરાશે.
બ્રીજ પ્રોજેક્ટ
- શહેરમાં નવા ચાર ફ્લાય ઓવર બનશે.
- ઘોડાસર સ્પ્લીટ ફ્લાય ઓવર, હયાત રેલવે બ્રીજ સાથે મર્જ થશે
- પલ્લવ પ્રગતિ નગર જંક્શન ફ્લાય ઓવર બ્રીજ
- સત્તાધાર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રીજ
- નરોડા પાટીયા ફ્લાય ઓવર બ્રીજ
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
6 Comments