InfrastructureNEWS

ઐતિહાસિક લાઇફલાઇન:ઘર બનાવવા કરતા ઓછા સમયમાં વડોદરા-કેવડિયા રેલ માર્ગ પૂરો, આજે મુંબઇ એક્સપ્રેસ વે પર 24 કલાકમાં 2 કિમી રસ્તો તૈયાર કરાશે

  • રેલવે અને રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની 2 સિદ્ધિનું મધ્ય ગુજરાત સાક્ષી, વેસ્ટર્ન રેલવેને પીએમ નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું
  • 32 કિમી રેલ માર્ગનું કામ માત્ર 6 મહિનામાં જ સંપન્ન
  • એક્સપ્રેસ વેના નિર્માણના રેકર્ડની નોંધ 2 વર્લ્ડબુકમાં થશે

તાજેતરમાં મધ્ય ગુજરાત ઇન્ફ્રાસ્ટક્ચરની સીમાચિન્હરૂપ કહી શકાય તેવી 2 સિદ્ધિનું સાક્ષી બની રહ્યું છે. વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનો રેલમાર્ગ 6 મહિનામાં જ પૂરો કરાયો છે. સામાન્ય રીતે 2 માળનું ઘર બનાવવામાં 9થી 12 મહિના લાગતા હોય છે, 3 માળનું સ્ટેશન અને 5 બ્રિજ સાથે 32 કિમીની રેલવે લાઇનનો પ્રોજેક્ટ જમીન સંપાદન બાદ માત્ર 6 માસમાં જલોકાર્પણ કરાયો છે. વેસ્ટર્ન રેલવેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું છે. જ્યારે બીજી સિદ્ધિ આજે સોમવારે નોંધાશે. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ભરૂચના દયાદરા ગામથી 4 લેનના 2 કિમીના સુધીની લંબાઇનો એકસપ્રેસ વે માત્ર 24 કલાકમાં તૈયાર કરાશે. આટલી ઝડપે દુનિયામાં પહેલીવાર આ રેકોર્ડ નોંધાશે. સોમવારે સવારે 7 વાગ્યાથી કામ શરૂ થશે, જે મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં પૂરું થશે.

ગેજ કન્વર્ઝન અને 32 કિમી નવી લાઈન સાથે 49 કિમીની કામગીરી જમીન સંપાદન, 5 બ્રિજ અને પ્રતાપ નગરથી ચાણોદ ઇલેક્ટ્રિફિકેશન માત્ર 1 વર્ષમાં પૂર્ણ કરવાની અભૂતપૂર્વ કામગીરીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેસ્ટન રેલ્વેને બિરદાવ્યું છે. જૂન 2021માં કામગીરી પૂર્ણ કરવાનું ટાર્ગેટ રિવાઇઝ કરી માર્ચ અને ત્યારબાદ ડિસેમ્બર-2020 કરાયું હતું. ટ્રેકમેન એસો.ના સતીશ કુમાર યાદવે તમામ ટ્રેકમેનોની પ્રશંસા કરી હતી. સિનિયર એન્જિનિયર એ.કે.સિંગે જણાવ્યું કે, નવી લાઈન સાથે પ્રતાપનગરથી ચાણોદ ઇલેક્ટ્રિફિકેશન, 18 કિમી ગેજ કન્વર્ઝેશન માટે 6 લાખ માનવદિન જેટલું કામ થયું.

5 બ્રિજ સહિત આ 3 પડકારો હતા

  • જમીન સંપાદન – સંપાદન માટે પોલીસની મદદ લેવાઇ. હજુ કેટલાક ખેડૂતોને પૈસા મળ્યા નથી
  • મહત્વના બ્રિજ – 5 મેજર બ્રિજ માટે 2200 MMની પાઈપો વપરાઇ. ડિઝાઇન બદલી પોલ બ્રિજ બન્યા
  • શ્રમિકો બોલાવાયા – વતન ગયેલા શ્રમિકોના ખાતામાં પૈસા જમા કરાવી ખાનગી વાહનોમાં બોલાવાયા.

રેલવેના ઇતિહાસમાં પ્રથમવાર બનેલાે આ પ્રોજેક્ટ IIT મુંબઇએ સ્ટડી માટે મંગાવ્યો છે. – શિવચરણ બૈરવા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ

વડોદરાથી લગભગ 85 કિમીના અંતરે ભરૂચના દયાદરા ગામના મનુબાર-સાંપા સેક્શન વચ્ચે સર્જાનારા આ વિશ્વ કીર્તિમાનની 2 વર્લ્ડ બુક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધ લેવાશે. આ માટે ગોલ્ડ બુક ઓફ રેકોર્ડના મનીષ વૈષ્ણોય અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાંથી એમ.કે. ચૌધરી ઇન્વેસ્ટિગેટર તરીકે હાજર રહેશે. આ રોડના બાંધકામ માટે સ્લીપ ફોર્મ પેવર મશીનનો ઉપયોગ કરાશે. પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા આ રેકોર્ડ 2 કિમી લાંબા રસ્તા પર 8 લેન પૈકીના એક બાજુ થશે. આ માટેની સિમેન્ટ કોન્ક્રિટ તૈયાર કરાયો છે. આ ઉપરાંત કામગીરી ચાલુ હશે ત્યારે પણ સતત રેડી મિક્સ તૈયાર કરાશે.

આ રસ્તાની 3 વિશેષતાઓ છે

  • કોન્ક્રિટ – 12000 ક્યુબિક મીટર પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રિંટ તૈયાર કરાઈ રહ્યો છે. જેને સ્લીપ ફોર્મ પેવર મશીનનો ઉપયોગ કરીને પાથરવામાં આવશે.
  • માપદંડ – રોડની જાડાઇ 18.75 મિલિમીટર હશે.
  • માનવબળ – આ કામગીરી અને ઇન્સ્પેક્શન સહિતની કામગીરી માટે 500 શ્રમિકો અને એન્જિનિયરો જોડાશે.

ડામર જેવો કોંક્રિંટનો જોઇન્ટ વગરનો લાંબામાં લાંબો રસ્તો તૈયાર કરવાના નિર્ધારને સાકાર કરવા આ કર્યું. – અરવિંદભાઇ પટેલ, MD,પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close