HousingNEWS

ક્રેડાઈ કોન્ક્લેવ-2025માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ડેવલપરોને પ્રોજેક્ટ પર 100 વૃક્ષો વાવવાની કરી અપીલ

નવી દિલ્હીમાં ચાલી રહેલા ક્રેડાઈ કોન્ક્લેવના પ્રથમ દિવસે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, તેમણે ક્રેડાઈ નેશનલના કાર્યોની પ્રશાંસા કરતાં જણાવ્યું હતું કે, ક્રેડાઈ નેશનલે, માર્કેટમાં બિલ્ડર્સ લોબીની ક્રેડિટ વધારવાનું કામ કર્યું છે. સાથે સાથે સામાજિક સેવા અને પર્યાવરણના જતન માટેનાં ઉમદા કામો કરી રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ક્રેડાઈ નેશનલ દ્વારા નાસિકના સહ્યાદ્રી વિસ્તારમાં 9000 એકર વિશાળ ભૂપટલ પર 20 લાખ વૃક્ષો વાવવાનો એક નિર્ધાર કર્યો છે જે અત્યંત પ્રશંસનીય છે અને પર્યાવરણના જતન કરવા માટે કારગર સાબિત થશે. આ સાથે, અમિત શાહે, દેશભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સને પોતાના પ્રોજેક્ટ પર ગ્રીન જગ્યા બનાવવાની અને તેમાં 100 વૃક્ષો વાવવાની અપીલ પણ કરી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકાર જવાબદાર રિયલ એસ્ટેટ વિકાસ પર ભાર મૂકીને શહેરી વિકાસ માટે મહત્વાકાંક્ષી અને ભવિષ્યલક્ષી અભિગમ અપનાવી રહી છે. તેમણે વિકાસકર્તાઓ અને ઉદ્યોગ સંસ્થાઓને ટકાઉ અને જવાબદાર વિકાસના સહિયારા દ્રષ્ટિકોણ તરફ સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દેશની શહેરી વસ્તી ૨૦૪૭ સુધીમાં લગભગ ૫૦ ટકા સુધી પહોંચવાનો અંદાજ છે, અને તેથી આવાસ પૂરા પાડવાની જવાબદારી મોટાભાગે ડેવલપર્સની છે.

વધુમાં શાહે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ રિયલ એસ્ટેટ સેક્ટરના સુધારાઓમાં મહત્વપૂર્ણ ભુમિકા સાથે યોગદાન આપ્યું છે, જેને હવે વિશ્વભરમાં માન્યતા આપવામાં આવી છે. તેમજ RERA એ ભારતમાં ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવા, વાજબી વ્યવહારો સુનિશ્ચિત કરવા અને ગુણવત્તાયુક્ત બાંધકામની ખાતરી આપવા માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે, અને તેને 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અપનાવવામાં આવ્યું છે. તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રને આગામી પેઢીના GST સુધારાઓથી સૌથી વધુ ફાયદો થયો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close