નવી જંત્રી-2024ના મુસદ્દા અંગે 30 દિવસમાં વાંધા-સૂચનોનું પૃથ્થકરણ બાદ, 1 એપ્રિલ-2025માં નવી જંત્રી અમલ થવાની સંભાવના
રિયલ એસ્ટેટ માર્કેટમાં જંત્રી ખૂબ જ મહત્વની છે, કારણ કે, જમીનની ખરીદી મુખ્ય આધાર જંત્રીના દરો પર હોય છે. ત્યારે, જંત્રીના દરોમાં વધારો થાય ત્યારે, જમીનની કિંમત અને પ્રોપર્ટી મિલકતોની કિંમતો અસર થાય છે. તા. 20 નવેમ્બરના રોજ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં જંત્રીના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જંત્રીના દરોમાં વધારો કરવાની માંગણી ખેડૂતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ અનેકવાર કરી હતી. તેમજ અનેક સંસ્થાઓ, વિવિધ સંગઠનો તરફથી પણ રજૂઆતો બાદ, વાસ્તવિક ભાવો દર્શાવતી જંત્રી તૈયાર કરવા તેમણે નિર્દેશો આપ્યા હતા. પરિણામે, રાજ્ય સરકારે પ્રસ્તુત ડ્રાફ્ટ જંત્રી-2024 મુદ્દે હિતધારકો અને ખેડૂતોને જિલ્લા કલેક્ટરની કમિટી સમક્ષ વાંધા સૂચનો રજૂ કરવા તક આપવામાં આવી છે.
30 દિવસમાં જંત્રી અમલ કરવા અંગેના વાંધાઓ અને સૂચના પ્રાપ્ત થયા બાદ, રાજ્ય સરકાર વાંધા–સૂચનોને આધારે જિલ્લા કમિટીઓના પૃથ્થકરણ અહેવાલો બાદ, રાજ્ય સરકાર સંભવિત 1 એપ્રિલ-2025થી નવી જંત્રી અમલમાં મૂકાશે તેવી સંભાવના રહેલી છે.
મહેસૂલ વિભાગે એપ્રિલ-2023માં જ વર્ષ 2011થી જંત્રીના દરો બમણા કર્યા હતા. જે હાલમાં અમલમાં છે. હવે પછી અમલમાં આવનારા સૂચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપ્રિલ-2023ના રેટના સાપેક્ષમાં સાત મહાનગરોમાં દોઢથી ચાર ગણા જંત્રીના રેટ વધારવામાં આવ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં દોઢથી બે ગણો વધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી જંત્રીના દરોમાં વધારો કરવાની ચર્ચા ચાલતી હતી. જેમાં જંત્રીના દરોમાં વધારો કઈ પદ્ધતિ કરવી, તેના પર મહામંથન થયું હતું, જેમાં પહેલીવાર ગ્રીડ આધારિત દર નિર્ધારણને બદલે શહેરી વિસ્તારોમાં વિકાસની ક્ષમતાને આધારે કુલ 23,846 વેલ્યૂઝોન અને ગ્રામિણ વિસ્તારોમાં 17,131 ગામોના ફિલ્ડ સર્વે થયો હતો. જેમાં ઔદ્યોગિકરણ, શહેરી અને ગ્રામ વિકાસ, આર્થિક પરિસ્થિતિને આધારે તૈયાર કરાયેલા જંત્રી-2024 મુસદ્દામાં વર્ષ 2011ની જંત્રીના સાપેક્ષમાં સરેરાશ ચારથી નવ ગણા સુધીનો વધારો સૂચવવાનું અનુમાન હતું.
જંત્રીના નવા દરોને જોતાં, ગુજરાતમાં અમદાવાદનો મહત્વ અને પોશ વિસ્તારો જેવા કે, એસ.જી. હાઈવે અને સિધુંભવન જેવા વિસ્તારોમાં જંત્રીનો દર ચાર ગણો પ્રતિ ચોરસ મીટરે સૂચવવામાં આવ્યો છે. જો કે, આદીવાસી વિસ્તાર કે જિલ્લા જેવા કે, છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકના અનેક સર્વે નંબરમાં જંત્રી રેટમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.