અમદાવાદમાં પ્રદૂષણ અને ટ્રાફિક જામમાં ઘટાડો કરવા, એસ.પી. રીંગ રોડ પર નિર્માણ પામશે 10 લોજેસ્ટિક્સ્ પાર્કસ્
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ અને ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને ફરતે આવેલા એસપી રીંગ પર 10 લોજેસ્ટિક્સ પાર્કસ્ નિર્માણ કરવાનું આયોજન કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) સાથે મળીને આ લોજિસ્ટિક પાર્ક સ્થાપવા માટે હાલ 10 મોટા પ્લોટ શોધવામાં આવી રહ્યા છે.
AMCના ક્લીન એર પ્રોજેક્ટ હેઠળ હાથ ધરાયેલા સર્વે દરમિયાન, જાણવા મળ્યું હતું કે, દરરોજ 350 થી વધુ ટ્રક શહેરમાં આવે છે, જમાલપુર એપીએમસી માર્કેટ વિસ્તાર, વસ્ત્રાલ, વૈષ્ણોદેવી સર્કલ, ઓગણજ સર્કલ, બોપલ-શીલજ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન ટ્રકો ટ્રાફિક જામ કરે છે પરિણામે હવાનું પ્રદૂષણ અને ટ્રાફિક જામ થાય છે જેથી નાગરિકો પરેશાન થાય છે. ત્યારે એસપી રીંગ રોડ થી દૂર લોજેસ્ટિક્સ પાર્કસ્ નિર્માણ કરીને કાયમી માટે અમદાવાદ શહેરમાંથી પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યા દૂર કરવાનો પ્રયાસ રાજ્ય સરકારની નોડલ એન્જસીઓ કરી રહી છે.
2024-25ના બજેટમાં, અમદાવાદ કોર્પોરેશને એસપી રિંગ રોડ પર સ્થિત મોટા પ્લોટ પર લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરી છે. આ પાર્કમાં ભારે કોમર્શિયલ વાહનો જેમ કે બહારથી શહેરમાં સામાન લાવતા ટ્રકને સમાવી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આશા વ્યક્ત કરી છે કે, મોટા વાહનો આ લોજિસ્ટિક પાર્કમાં તેમનો સામાન ઉતારશે, જ્યાંથી સામાન નાના વાહનો પર શહેરની અંદર લાવવામાં આવશે જેથી ટ્રાફિક જામની સમસ્યા ઘટાડી શકાય અને હવા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય મોટાં શહેરો જેવા કે, દિલ્હી, નોઈડા, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ, ગુડગાંવમાં મોટીસંખ્યામાં લોજેસ્ટિક પાર્ક બનાવવામાં આવ્યા છે. જેનાથી આ તમામ શહેરોમાં પ્રદૂષણ અને ટ્રાફિક જામમાં સુધારો જોવા મળ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
One Comment