રાજધાની દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા રાજધાની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોચ્યા હતા. જ્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હતા.
એવું માનવામાં આવી રહ્યું છે કે, 10 જાન્યુઆરીના રોજ યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે ચર્ચા વિચારણા માટે ગયા હશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીના રોજ યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત-2024માં આવી રહ્યા છે, તેમની સાથે વિશ્વના અલગ અલગ દેશોના રાષ્ટ્રપ્રમુખો અને વડાપ્રધાનો પણ આવી રહ્યા છે. તેમજ વિશ્વની અનેક કંપનીઓના સીએમડી, સીઈઓ સહિત બિઝનેસ લીડર્સ વાયબ્રન્ટ ગુજરાતમાં ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન વાયબ્રન્ટ ગુજરાત-2024ના ગ્લોબલ સમિટના ઉદ્દઘાટન દરમિયાન ગુજરાતમાં વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમૂર્હૂત કરશે. જેમાં, રાજકોટ એઈમ્સ મેડિકલ કોલેજ, સાબરમતી મલ્ટી મોડેલ હબ, બેટ દ્વારકા-ઓખા સી બ્રીજ સહિત અન્ય પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણીના આડે હવે માત્ર છ મહિના બાકી છે ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વચ્ચેની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસમાંથી બે ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસ પક્ષમાં રાજીનામું આપ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશ ગુજરાત