રેરા નોંધણી વગર સેલ કે માર્કેટિંગ કરતા ડેવલપર્સ સામે ગુજરાત રેરાની લાલ આંખ,ગ્રાહકોને પણ કહ્યું રહો સાવધાન !
મકાન ખરીદનાર ગ્રાહકો સાથે કોઈ પ્રકારની છેતરપિંડી ના થાય અને તેમના હિતોનું રક્ષણ થાય તે માટે ગુજરાત રેરાએ પ્રિ-લોન્ચિંગ પ્રોજેક્ટના નિર્માણકર્તા ડેવલપર્સ સામે ગુજરાત રેરાએ કડક વલણ અપનાવ્યું છે. પ્રિ-લોન્ચિંગ પ્રોજેક્ટનું માર્કેટિંગ કે સેલ્સ કરતા કોઈ પણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ માલૂમ પડશે તો ગુજરાત રેરા ઓથોરિટી સુઓ-મોટા નોટિસ અને દંડ કરશે, તેમજ રેરાના કાયદાનુસાર જે કલમ લાગતી હશે તે અનુસાર ડેવલપર્સ સામે પગલાં લેવામાં આવશે.
ગુજરાત રેરાના કાયદાનુસાર, જો કોઈ ડેવલપર્સ રેરા નોંધણી વગર સેલ અથવા માર્કેટિંગ કરતા માલૂમ પડશે તો, પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમતના 10ટકા દંડ થઈ શકે છે. 2021માં ગિફ્ટ સિટીમાં એક ડેવલપર્સને રેરા નોંધણી વગર સેલ કરવાના કેસમાં ગુજરાત રેરાએ 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. અમદાવાદમાં હાલ આ પ્રકારની પ્રવૃતિ વધતાં, ગુજરાત રેરા ઓથોરિટી હાલ અમદાવાદ સહિત જ્યાં રેરા લાગતા હોય તેવા વિસ્તારોમાં વોચ રાખી રહી છે. આ પ્રકારે બુકિંગ કરાવતાં ગ્રાહકોને પણ ગુજરાત રેરાએ સાવધાન કરતાં જણાવ્યું છે કે, આ પ્રકારે બુકિંગ ના કરો અને તેની સંપૂર્ણ તપાસ કરો કે રેરા નોંધણી થઈ હોય તો જ બુકિંગ કરાવો, રેરા નોંધણી પહેલાં જો બુકિંગ કરાવ્યું હશે તો તેના માટે ગ્રાહક જ જવાબદાર રહેશે.
વધુમાં ગુજરાત રેરા અધિકારીએ જણાવ્યું છે કે,અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટને પ્રિ-લોન્ચિંગ અથવા રેરા નોંધણી પહેલાં પોતાના સંબંધીઓ અને અન્ય ગ્રાહકોને બુકિંગ લે છે. આ પ્રવૃતિ ખોટી છે અને ગ્રાહકો માટે જોખમકારક છે. અને આવા ગ્રાહકોને રેરા ગુજરાતના કાયદામાં રક્ષણ માટે કોઈ જ કાયદો નથી.
ગુજરાત રેરાને સોશિયલ મિડીયાના માધ્યમ દ્વારા આ પ્રકારની પ્રવૃતિઓ અંગેની માહિતી મળતાં રેરા ગુજરાતે આ પગલાં લેવાની શરુઆત કરી છે, જે ગ્રાહકોના હિતમાં છે. રેરા અધિકારીઓના જણાવ્યાનુસાર, અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં રેરા નોંધણી વગર મોટીસંખ્યામાં પ્રોજેક્ટનું સેલ થઈ રહ્યું છે તેવી માહિતી મળતા ગુજરાત રેરાએ આ પ્રકારની પ્રવૃતિ સામે લાલ આંખ કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.