વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
PM Modi inaugurates Maruti Suzuki Electric Vehicle Plant at Mahatma Mandir, Gandhinagar
મારૂતિ સુઝુકીને ભારતમાં આવ્યાને 40 વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે મારૂતિ સુઝુકીએ આજે 28 ઓગસ્ટના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે સુઝીકીના બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સુઝુકી કંપની ટૂંક સમયમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને માંડવી તાલુકામાં ઓટોમોટિવ રિસાઇકલિંગ ફેસિલિટી માટે રૂપિયા 10 હજાર કરોડનું રોકાણ કરશે.
મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન દરમિયાન PMએ કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં ભારત-જાપાનના સંબંધો નવી ઊંચાઈ પર ગયા છે.આજે ગુજરાત દેશમાં નહીં પૂરી દુનિયામાં ટોપ ઓટોમેટિવ મેન્યુફેકચરીંગ હબ બનીને ઉભર્યું છે.વડાપ્રધાને ગુજરાતને લઈને કહ્યું હતું કે, એક તરફ રાજ્ય અને બીજી તરફ દેશનું એક સાથે ચાલવું બહુ મોટી વાત છે. આજે ગુજરાતમાં સુઝુકી ઉપરાંત જાપાનની 125 જેટલી કંપની કાર્યરત છે.
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીને 40 વર્ષ પૂર્ણ થયા
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ આ વર્ષે 40 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે કંપની દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન આજે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મારૂતિ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્યના અનેક મોટા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
2012માં મારૂતિ સુઝુકી કંપનીએ ગુજરાતમાં તેનો પ્રથમ પ્લાન્ટ સ્થાપિત કર્યો
2011માં મારુતિ સુઝુકી કંપનીએ ગુજરાતમાં કાર ઉત્પાદન માટે ઉત્સુકતા દર્શાવી ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કંપનીના ઉત્પાદનને અસરકારક રીતે આગળ ધપાવવા માટે ઘણા પ્રોત્સાહનો આપ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ વર્ષ 2012માં મારૂતિ સુઝુકી કંપનીએ ગુજરાતમાં તેનો પ્રથમ પ્લાન્ટ હાંસલપુરમાં સ્થાપિત કર્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના કાર્યકાળથી માંડીને વર્તમાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ સુધી મારુતિ કંપનીના વ્યાપારમાં સતત વધારો થયો છે.
હાંસલપુરમાં વર્ષે 7.50 લાખ કારનું ઉત્પાદન થાય છે
મારુતિ સુઝુકી કંપની ગુજરાતના હાંસલપુરમાં ત્રણ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે. જે વર્ષે 7.5 લાખ કારનું ઉત્પાદન કરે છે. ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે મારુતિ સુઝુકી કંપનીએ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 16 હજાર કરોડનું રોકાણ કર્યું છે. મારુતિ સુઝુકી માટે કારના પાર્ટ્સ પૂરા પાડવા માટે 100થી વધુ કમ્પોનન્ટ સપ્લાયર્સ પણ ગુજરાતમાં તેમનો વ્યવસાય કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યમાં આ કોમ્પોનન્ટ સપ્લાયર્સ દ્વારા આશરે રૂપિયા 7,300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
મારુતિ સુઝુકી ભારતમાં પ્રથમ લિથિયમ આયન બેટરી પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે
ગુજરાત સરકાર થોડાક જ મહિના પહેલા એક નવી EV નીતિની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો અને તેના સમગ્ર ઉત્પાદન ઇકોસિસ્ટમને વિકસાવવા માટે સંખ્યાબંધ જોગવાઈઓ અને પ્રોત્સાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની આ નીતિનો લાભ લઈને મારુતિ સુઝુકી ભારતમાં પ્રથમ લિથિયમ આયન બેટરી પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપી રહી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના ચેરમેન આર.સી. ભાર્ગવે જણાવ્યું હતું. તેમની કંપની ટૂંક સમયમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને માંડવી તાલુકામાં ઓટોમોટિવ રિસાઇકલિંગ ફેસિલિટી માટે રૂપિયા 10 હજાર કરોડનું રોકાણ કરશે.
વાર્ષિક 5000 એન્જિનિયરોને તાલીમ આપવામાં આવે છે
ગુજરાતમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકાર પીપીપી મોડ પર રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે મારુતિ સુઝુકી કંપની સાથે મળીને રાજ્યમાં ઘણી શ્રેષ્ઠ સંસ્થાનોની સ્થાપના કરી છે. ગાંધીનગરમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં વાર્ષિક 5000 એન્જિનિયરોને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, ખોરજમાં જાપાન ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્યુફેક્ચરિંગ અને માંડલ બેચરાજીમાં ઔદ્યોગિક ટાઉનશીપ સ્થાપવામાં આવેલા છે. જે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને કૌશલ્ય વિકાસ બન્નેેને સુનિશ્ચિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, આવનારો યુગ બેટરીવાળી ઈલેક્ટ્રીક કારનો રહેશે. અને હાલમાં ભારતીય ઓટોકાર માર્કેટમાં અનેક કંપનીઓની બેટરીવાળી કાર આવી ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને મારૂતિ સુઝુકી કાર કંપની બેચરાજીના હાંસલપુરમાં સિંગલ ચાર્જમાં 1000 કિલોમીટર ચાલી શકે તેવી ઈલેક્ટ્રીક કારનું મેન્યુંફેક્ચરીંગ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments