અમદાવાદીઓ માટે સારા સમાચાર, નર્મદામાંથી મળશે 467 MLD વધારાનું પીવાનું પાણી

અમદાવાદના પશ્ચિમ વિસ્તારની વર્તમાન અને ભાવિ પીવાના પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાંથી દરરોજ 467 મિલિયન લિટર (MLD) કાચા પાણીની વધારાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે.

હાલમાં અમદાવાદના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોનના ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, બાલોલનગર (નવું વોર્ડ) તેમજ નારણપુરા–નિર્ણયનગર વિસ્તાર માટેનું કાચું પાણી ઢોળકા બ્રાંચ કેનાલ મારફતે મેળવવામાં આવે છે અને તેનું શુદ્ધિકરણ જાસપુર પાણી શુદ્ધિકરણ કેન્દ્ર ખાતે કરવામાં આવે છે. જાસપુર પ્લાન્ટમાંથી હાલમાં દરરોજ સરેરાશ 400 એમએલડી પીવાનું પાણી શહેરના પશ્ચિમ અને મધ્ય વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે.
વૈષ્ણોદેવી સર્કલ–એસ.જી. હાઈવે અને સરદાર પટેલ રિંગ રોડ આસપાસ ઝડપથી વધી રહેલા શહેરી વિકાસને પગલે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પાણી શુદ્ધિકરણ માળખાને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. જાસપુર ખાતે વધારાની 200 એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ નિર્માણાધીન છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્લાન્ટ શરૂ થતાં જાસપુરની કુલ ક્ષમતા 600 એમએલડી થશે.

આ ઉપરાંત, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 733ની કુલ 2,11,449 ચો.મી. જમીનમાંથી 56,361 ચો.મી. સરકારી જમીન મેળવીને નવો 250 એમએલડી ક્ષમતાનો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સ્થાપવાનો પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તરણ બાદ જાસપુર ખાતે કુલ પાણી શુદ્ધિકરણ ક્ષમતા 850 એમએલડી સુધી પહોંચશે.
AMCના જણાવ્યા મુજબ, ધોળકા બ્રાંચ કેનાલમાં જાળવણીના કામ દરમિયાન પાણીના સ્તરમાં ઘટાડો થતો રહે છે, જેના કારણે જાસપુર પ્લાન્ટ સુધી કાચા પાણીની ઉપલબ્ધતા પર અસર પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે SSNNL દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાંથી સીધું પાણી મેળવવા માટે નવો હેડ રેગ્યુલેટર બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
શહેરમાં સંસ્થાગત, વાણિજ્યિક અને ઔદ્યોગિક વિકાસ, વધતું સ્થળાંતર, પર્યટન તેમજ આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનને કારણે પાણીની માંગ સતત વધી રહી છે. હાલના 2025ના વસ્તી આંકડાથી લઈને 2040 સુધી અંદાજે 1.40 કરોડની વસ્તીને ધ્યાનમાં રાખીને SSNNL દ્વારા જાસપુર માટે વિશેષ કેસ તરીકે 467 એમએલડી વધારાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે, જેથી અમદાવાદની દીર્ઘકાલીન પીવાના પાણીની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



