હવે ભારતમાં બનશે વિમાનો,અદાણી-બ્રાઝિલ વચ્ચે ડીલ, ધોલેરામાં પ્લાન્ટ સ્થાપિત થવાની સંભાવના

હવે ભારતમાં મેક ઈન ઈન્ડિયા વિમાનોનું મેન્યુફેકચરીંગ થશે. ભારતમાં કોમર્શિયલ ફિક્સ્ડ-વિંગ વિમાનો માટેની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) ગુજરાતના ધોલેરા અથવા આંધ્ર પ્રદેશના ભોગાપુરમમાં સ્થાપિત થવાની સંભાવના છે, જેમાં ધોલેરાને મુખ્ય દાવેદાર તરીકે માનવામાં આવી રહ્યો છે. બ્રાઝિલની અગ્રણી રિજનલ વિમાન નિર્માતા કંપની એમ્બ્રાયર અને અદાણી ગ્રુપના પ્રસ્તાવિત સંયુક્ત સાહસ (JV) માટે બંને રાજ્યોએ આક્રમક પ્રયાસો શરૂ કર્યા છે.
અદાણી–એમ્બ્રાયર JV અંગે સત્તાવાર જાહેરાત આગામી મંગળવારે એટલે કે, 27 જાન્યુઆરીના રોજ થવાની સંભાવના રહેલી છે. કેન્દ્ર સરકાર દેશમાં બનેલા વિમાનો માટે ઓર્ડર આપનાર એરલાઈન્સને નાણાકીય પ્રોત્સાહન (ફિસ્કલ ઇન્સેન્ટિવ્સ) આપવાની યોજના પર વિચાર કરી રહી છે, જેથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળી શકે.
વડોદરામાં એરબસ–ટાટા દ્વારા સ્થાપિત C295 વિમાન એસેમ્બલી લાઇનને ધોરણ માનીએ તો, એમ્બ્રાયર FAL સંપૂર્ણ રીતે તૈયાર થવામાં 3થી 4 વર્ષ અને પ્રથમ વિમાન રોલઆઉટ થવામાં વધુ એક વર્ષ લાગી શકે છે. એમ્બ્રાયરનાં રિજનલ જેટ્સમાં 70થી 130 બેઠકો હોય છે, જે ભારતની ઝડપી વિકસતી એરલાઈન માર્કેટ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો એવિએશન ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ માટે સૌથી મોટી સિદ્ધિ બનશે અને ભવિષ્યમાં એરબસ અને બોઇંગ જેવી વૈશ્વિક કંપનીઓને પણ ભારતમાં વિમાન ઉત્પાદન માટે આકર્ષિત કરી શકે છે. ગુજરાત માટે વડોદરા અને ધોલેરાને જોડતો એક મજબૂત એરોસ્પેસ બેલ્ટ ઊભો થવાની શક્યતા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



