GovernmentInfrastructureNEWSPROJECTS

ટ્રાફિકથી ધમધમતા SG હાઈવે પર વૈષ્ણોદેવીથી ગોતા વચ્ચે ફૂટ ઓવર બ્રિજની તાત્કાલિક જરૂર

અમદાવાદ–ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે શહેરી તથા માળખાકીય વિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, અમદાવાદ અને સ્ટેટ કેપિટલ ગાંધીનગરને જોડતો, મોડલ રોડ તરીકે ઓળખાતો અને ટ્રાફિકથી ધમધમતો સરખેજ–ગાંધીનગર (SG) હાઈવે હવે મુસાફરોની સુરક્ષા દૃષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

SG હાઈવે પર ખાસ કરીને વૈષ્ણોદેવી સર્કલથી ગોતા ફ્લાયઓવર બ્રિજ વચ્ચે ત્રણ જેટલા સ્ટીલ ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવું અત્યંત જરૂરી બન્યું છે. સાંજના સમયે નોકરીયાત વર્ગ તથા સામાન્ય મુસાફરોને રોડની એક બાજુથી બીજી બાજુ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરક્ષિત વિકલ્પ ન હોવાથી લોકો જીવના જોખમે રોડ ક્રોસ કરવા મજબૂર બને છે, જેના કારણે અકસ્માતની ભીતિ સતત સતાવે છે.

મળતી માહિતી અનુસાર, દરરોજ સાંજે પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા દરમિયાન SG હાઈવે પર એક લાખથી વધુ વાહનોની અવરજવર જોવા મળે છે. આ દરમિયાન અનેક વાહનો પૂરઝડપે દોડતા હોય છે. આવી સ્થિતિમાં રોડની બંને બાજુથી મુસાફરો જોખમી રીતે રસ્તો પાર કરતા નજરે પડે છે, જે લોકોની સલામતી તેમજ વિકાસ—બંને માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. તેથી મુસાફરો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં નિર્માણ પામેલો ફોર-લેન SG હાઈવે ટ્રાફિકમુક્ત અને સુવ્યવસ્થિત અવરજવર માટે ‘મોડલ રોડ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તે મુજબ આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યો હતો. જોકે, વધતા ટ્રાફિકને કારણે આજે સ્થિતિ એવી છે કે દરરોજ સાંજ પડતા જ મુસાફરોને કોઈ અનિચ્છનીય અકસ્માત થવાની આશંકા સતાવે છે.

નોંધનીય બાબત એ છે કે, દોઢ વર્ષ અગાઉ ગોતા ફ્લાયઓવર બ્રિજ પર સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. આવી દુર્ઘટના ફરી ન બને તે માટે ફૂટ ઓવર બ્રિજના નિર્માણ અંગે સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાય તે સમયની માગ બની છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close