InfrastructureNEWS

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અંતર્ગતનો, વડોદરા-નવસારી વિભાગને સંપૂર્ણ મૂક્યો ખુલ્લો, મુસાફરોમાં આનંદો.  

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા–નવસારી વિભાગના બાકી રહેલા તમામ પેકેજ ટ્રાફિક માટે ખુલ્લા મુક્યા છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં માર્ગ જોડાણને મોટો વેગ મળ્યો છે. અંકલેશ્વરથી કિમ સુધીના પેકેજ–5 સાથે સાથે વડોદરા–વિરાર વિભાગનું પેકેજ–7 (એનાથી ખારેલ) પણ ટ્રાયલ આધારે શરૂ કરવામાં આવ્યું છે.

હવે મુસાફરો વડોદરાથી નવસારી નજીકના ખારેલ સુધી સીધો દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર પ્રવાસ કરી શકે છે. જોકે, આ વિભાગ ટ્રાયલ આધારે શરૂ કરાયો હોવાથી આગામી દિવસોમાં જો કોઈ તકનિકી કે કામગીરી સંબંધિત સમસ્યા ઉભી થાય તો તેને તાત્કાલિક બંધ પણ કરવામાં આવી શકે છે.

1,386 કિમી લાંબા, નિર્માણાધીન આઠ લેનના દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવેમાંથી અંદાજે 426 કિમી ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે, જે મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ માર્ગ જોડાણ પૂરું પાડે છે. વડોદરા–વિરાર વિભાગ કુલ સાત પેકેજમાં વહેંચાયેલો છે અને હવે તે તમામ ટ્રાફિક માટે ખુલ્લા મુકાયા છે, જેથી વડોદરાથી નવસારી સુધીનો સમગ્ર માર્ગ કાર્યરત થયો છે.

વડોદરાથી ભરૂચ સુધીના પેકેજ–1, 2 અને 3 ફેબ્રુઆરી 2024થી સંપૂર્ણ રીતે કાર્યરત છે, જેના કારણે ભરૂચ જિલ્લાના માનુબર સુધી સરળ મુસાફરી શક્ય બની હતી. ત્યારબાદ પેકેજ–4 (માનુબર થી અંકલેશ્વર) અને પેકેજ–6 (કિમ ઇન્ટરચેન્જ થી સુરત નજીકના એના ઇન્ટરચેન્જ) પણ ટ્રાફિક માટે ખુલ્લા મુકાયા હતા. હવે બાકી રહેલા પેકેજ–5 અને પેકેજ–7ના ટ્રાયલ આધારે ખુલ્લા મુકવાથી આ કોરિડોર પૂર્ણ થયો છે.

હાલમાં ટ્રાયલ આધારે શરૂ કરાયેલા વિભાગોમાં માત્ર હળવા વાહનો (લાઇટ મોટર વાહનો)ને જ મંજૂરી આપવામાં આવી છે. બસો અને ટ્રકો જેવા ભારે વાહનોને હજુ પ્રવેશની મંજૂરી નથી. ટોલ પ્લાઝા તૈયાર હોવા છતાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ટોલ દરોની સત્તાવાર જાહેરાત ન થતાં ટોલ વસુલાત શરૂ કરવામાં આવી નથી. ઉપરાંત, પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ ઊંચાઈ અવરોધક (હાઈટ બેરિયર) લગાવવામાં આવ્યા છે, જેથી મંજૂરી વગરના વાહનોને રોકી શકાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close