રોડ-રસ્તાઓના કામોની ગુણવત્તામાં સરકાર કોઈ જ કોમ્પ્રોમાઈઝ ચલાવશે નહીં.- મુખ્યમંત્રી

જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના આર.સી.સી. રોડ બને જેથી સંબંધિત કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકોને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ તેમણે બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધ છોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા છે. આજે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુ દેસાઈ અને ઉચ્ચ અધિકારીઓ સહિત માર્ગ-મકાન સચિવ પી.આર. પટેલિયા, માર્ગ-મકાન તથા શહેરી વિકાસ વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના મહાનગરોના મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષઓ, મ્યુનિસિપલ કમિશનરઓ અને રિજનલ મ્યુનિસિપલ કમિશનરઓ આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોની રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ રોડની ગુણવત્તા ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, રોડ-રસ્તાઓ નિર્માણકાર્યમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ કરવાની વાત ચલાવશે નહીં. જે પણ કૉન્ટ્રાક્ટર્સની ગુણવત્તા બાબતે ફરિયાદ આવશે તો, તેવા તમામ બ્લેક લિસ્ટ કરવામાં આવશે. જો કે, તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલુ જ નહી, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ૩૦મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્રતયા સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ પ્રભારી મંત્રીઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. ૩૦ નવેમ્બર સુધીમાં પૂરી કરીને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ સૂચના આપી હતી. વધુમાં તેમણે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી ખાતુ, ગાંધીનગર



