અમદાવાદના ગોતા અને વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે છારોડી ખાતે નિર્માણ પામશે ફ્લાયઓવર બ્રિજ
અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતા એસ.જી. હાઈવે પર ગોતા ચોકડી થી વૈષ્ણોદેવી સર્કલ ફ્લાયઓવર બ્રિજની વચ્ચે છારોડી જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ નિર્માણ કરવાનો પ્રસ્તાવ, ગુજરાત સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલ્યો છે. જેથી હવે અંદાજે બે–ત્રણ મહિનામાં છારોડી ખાતે ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે. તેમ જ ગાંધીનગર જતા વચ્ચે આવતી નર્મદા કેનાલ ક્રોસિંગ પર 4 લેન બ્રિજ નિર્માણ પામશે. આ બંને બ્રિજના નિર્માણ માટે ટેન્ડર બહાર પડશે. અંદાજે 58 કરોડ રુપિયામાં આ બંને બ્રિજ નિર્માણ પામશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. આ બ્રિજ નિર્માણ પામવાની સાથે જ હાલ ગોતાથી વૈષ્ણોદેવી ફ્લાયઓવર વચ્ચે વાહનચાલકોને પડતી મુશ્કેલીનો ઉકેલ આવશે.
ઉલ્લેખનીય છે કે, હાલ ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ ફ્લાયઓવર બ્રિજ વચ્ચેના એક સાઈડથી બીજી સાઈડ જવા માટેના જે ગાળા મૂકવામાં આવ્યા હતા,તે બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી, ગોતા તરફથી આવનારા વાહનોને જગતપુર, દેવનગર કે ગોતા વિસ્તારમાં જવામાં મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ, જ્યારે છારોડી ખાતે ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે ત્યારે ઉકેલ આવી જશે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરનો ટ્રાફિકથી ધમધમતો 33 કિલોમીટરનો એસ.જી. હાઈવે એટલે કે, સરખેજ-ગાંધીનગર હાઈવે મોડેલ રોડ છે અને જે હેસલ ફ્રી છે એટલે કે, તમે સરખેજ થી મુસાફરી કરો તો, વચ્ચે કોઈ જ ટ્રાફિક ના નડે તે માટે ફ્લાય ઓવર બ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે જેથી, વાહનચાલકો સરખેજથી સીધા ગાંધીનગર માત્ર 20-25 મિનિટમાં ગાંધીનગર પહોચી શકે. જેના ભાગરુપે, ગુજરાત સરકાર અને ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રાલય અંતર્ગતની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.