સિલ્કયારા ટનલ સફળ ઓપરેશન : આગામી સમયમાં ટનલ નિર્માણમાં સેફ્ટીના વિશેષ પગલાં લેવાશે: નિતીન ગડકરી
17 દિવસથી ઉતરાખંડના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સરકાર અને અર્ધસરકારી સહિત આર્મી જવાનો સહિત તમામ રાહત અને બચાવ એન્જસીઓની મહામહેનતે જીવ બચાવી લેવામાં આવતાં દેશભરમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને સૌ કોઈ મજૂરોને, રાહત અને બચાવ ટીમોને અભિનંદન પાઠવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટનલમાંથી બહાર આવેલા મજૂરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને, તેમને અભિનંદન સાથે તેમના ખબર અંતર પૂછ્યા હતા. અને આટલા બધા દિવસો સુધી ટનલમાં રહેવા માટે તેમની હિમત અને ધીરજની પ્રસાંશા કરી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મજૂરો મળીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. અને તેમને અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
તો, કેન્દ્રીય હાઈવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ ટનલમાંથી બહાર આવેલા તમામ મજૂરોને અભિનંદન પાઠવ્યા હતા. તે સાથે મજૂરોને બચાવવા માટે ભારત સરકાર, ઉત્તરાખંડ સરકાર, અલગ અલગ એજન્સીઓ સહિત સ્થાનિક લોકોનો આભાર માન્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના દેશમાં પહેલીવાર બની છે અને આ ઘટનાથી આપણને ઘણું શીખવા મળ્યું છે. જેથી આવનારા દિવસોમાં અમે સેફ્ટી અંગે ઓડિટ કરાવશું અને ટનલ નિર્માણ દરમિયાન તમામ સેફ્ટીના પગલાં લેવા પ્રયાસ કરશું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.