ગિફ્ટ સિટીમાં વિકસાવવાશે ઈન્ટરનેશનલ મોલ્સ્ અને સેન્ટ્રલ પાર્કસ્- ગિફ્ટ સિટી એમડી તપન રે.
સ્ટેટ કેપિટલ ગાંધીનગરમાં આકારિત ગિફ્ટ સિટીમાં હવે ઈન્ટરનેશનલ મોલ્સ્ અને સેન્ટ્રલ પાર્કસ્ નિર્માણ પામશે તેવું ગિફ્ટ સિટીના એમડી તપન રેએ ગિફ્ટ સિટીમાં એચડીએફસી બેંકની શાખાના ઉદ્દઘાટન સમયે જણાવ્યું હતું. વધુમાં તપન રેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ પર મનોરંજન ઝોન અને ટાઉનશીપ સ્થાપવાની યોજના ધરાવે છે. ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ લેવલના સેન્ટ્રલ પાર્કની ડીઝાઈનિંગનું કામ દેશના નામાંકિત આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર પદ્મશ્રી બમલ પટેલ કરશે તેવું તપન રેએ જણાવ્યું છે.
ગ્રીનફિલ્ડ ગિફ્ટ સિટીમાં સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની તાતી જરુર છે. ગિફ્ટ સિટી અને રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં મોટાપાયે સામાજિક માળખાના વિકાસ માટે કામ કરી રહી છે. મનોરંજન ક્ષેત્ર વિકસાવવા રસ ધરાવતા વ્યકિતઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
તપન રેએ જણાવ્યું હતું કે, અમારી ટીમ દુબઈમાં જે રીતે મોલ્સ્ અને મનોરંજન ઝોન ડેવલપ થાય તે અંગે પણ વાતચીત કરી રહી છે. ગિફ્ટ સિટીમાં આવનારા લોકો સાંજના સમયે આનંદમય રીતે સમય પ્રસાર કરી શકે અને સ્વસ્થ રહે તે માટે મનોરંજન ક્ષેત્ર વિકસાવવું જરુરી છે. વધુમાં રેએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ એક ટાઉનશીપ નિર્માણ પામશે ત્યારે અંદાજે 5 થી 10 લાખ લોકો ગિફ્ટ સિટીમાં રહેશે. આ તમામ લોકોને સુવિદ્યાઓ અને સારી ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી આપવા મેટ્રોરેલ અને રોડ નિર્માણ કરવા સહિતનાં અનેક કામો ચાલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ ગિફ્ટ સિટીમાં 200 જેટલી કંપનીઓ, જેમાં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, બે સ્ટોક એક્સચેન્જ, આઈએફએસસી બેન્કિંગ યુનિટ્સ, શીપ અને એર કાફ્રટ લિઝિંગનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.