કેન્દ્ર સરકાર હવે રસ્તા બનાવવા કેપિટલ માર્કેટમાંથી ભંડોળ ભેગું કરશેઃ ગડકરી
Central government will now raise funds from capital market to build roads: Gadkari
હવે કેન્દ્ર સરકાર ચાર માર્ગ પરિયોજના માટે ભંડોળ ભેગું કરવા કેપિટલ માર્કેટનો સહારો લેશે. આ ભંડોળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે ઈનવિટ (InvIT) થકી ભેગું કરાશે. ખાસ વાત એ છે કે, તેમાં રિટેલ રોકાણકારો પણ રૂ. 10 લાખ સુધીનું રોકાણ કરીને સાતથી આઠ ટકા જેટલું નિશ્ચિત રિટર્ન મેળવી શકશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે ફિક્કીના એક કાર્યક્રમમાં આ વાત કરી હતી.
ગડકરીએ કહ્યું કે, ‘અમે ચાર માર્ગ પરિયોજના માટે કેપિટલ માર્કેટમાં જઈશું, જેમાં ઓછામાં ઓછું સાતથી આઠ ટકા રિટર્ન મળશે. માર્ગ મંત્રાલય ફરી એકવાર બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર એટલે કે બીઓટી મોડલ હેઠળ પરિયોજના શરૂ કરશે.’ દેશની વિવિધ માર્ગ પરિયોજનાના વિકાસ અંગે તેમણે કહ્યું કે, ‘અમે 2024 સુધી નેશનલ હાઈવે-નેટવર્કની લંબાઈ બે લાખ કિ.મી. સુધી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. દેશમાં નેશનલ હાઈ-વેનું નેટવર્ક એપ્રિલ 2014ના 91,287 કિ.મી.થી વધીને નવેમ્બર 2021માં 1,40,937 કિ.મી.એ પહોંચ્યું છે. ભારતમાં માર્ગ નિર્માણ, નદી સંપર્ક, ઘન અને પ્રવાહી કચરાનું મેનેજમેન્ટ, પાર્કિંગ પ્લાઝા, સિંચાઈ, રોપ-વે અને કેબલ કાર પરિયોજનાઓની અનેક શક્યતાઓ છે.’
ઈનવિટમાં ટેક્સ છૂટનો પણ પ્રસ્તાવ
કેન્દ્રીય માર્ગ મંત્રાલયે ઈનવિટને રિટેલ અને ફોરેન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર માટે વધુ આકર્ષક બનાવવા સરકાર સમક્ષ ઈનવિટ ઈન્વેસ્ટમેન્ટમાં ટેક્સ છૂટની માંગ કરતો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. હાલના ટેક્સ નિયમો હેઠળ ઈનવિટમાં રોકાણ કરતા રોકાણકારે ખરીદીના ત્રણ વર્ષની અંદર ઈનવિટ યુનિટ વેચવા બદલ નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન આપવો પડે છે. જો ઈનવિટ યુનિટ ત્રણ વર્ષ પછી વેચવામાં આવે અને ગેઇન રૂ. એક લાખથી વધુ હોય, તો તેના પર દસ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ચૂકવવો પડે છે.
ઈનવિટ શું છે?
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) એક મ્યુચ્યુઅલ ફંડ જેવું હોય છે, જે અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંભવિત ઈન્ડિવિડ્યુઅલ/ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર નાની રકમનું સીધું રોકાણ કરીને રિટર્ન તરીકે ચોક્કસ નફો કમાઈ શકે છે. ઈનવિટ મ્યુચ્યુઅલ ફંડ કે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની જેમ કામ કરે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
12 Comments