Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

બંગાળમાં 1000 કરોડના ખર્ચે બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું મંદિર

The biggest temple in the world is being built in Bengal at a cost of 1000 crores

દુનિયાના સૌથી મોટા મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. પ.બંગાળના નાદિયા જિલ્લામાં આવેલા માયાપુરમાં ઈસ્કોન હેડક્વાર્ટરમાં 2009થી આ મંદિરનું કામ ચાલી રહ્યું હતું. 700 એકર(28 લાખ ચો.મી.)માં ફેલાયેલું આ પરિસર દુનિયાનું સૌથી મોટું મંદિર હશે. અત્યાર સુધી સૌથી મોટું મંદિર કમ્બોડિયાના અંગકોર વાટમાં આવેલું હતું જે આશરે 16 લાખ ચો.મી.માં ફેલાયેલું છે.

માયાપુરમાં તૈયાર થઇ રહેલા મંદિરનું ઉદઘાટન 2023ની હોળીમાં થવાનું હતું પણ કોરોનાને કારણે વિલંબ થતા હવે તે 2024 સુધીમાં થવાની સંભાવના છે. મંદિરના ભવ્ય કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેનો પાયો જ 100 ફૂટનો છે. એટલે કે જમીનમાં 10 માળની ઈમારત જેટલો. અહીં રાજસ્થાનના ધોલપુરની સાથે જ વિયેતનામ, ફ્રાન્સ, દક્ષિણ અમેરિકાથી આવેલી ટાઈલ્સ વપરાઈ રહી છે. નિર્માણ પૂર્ણ થયા પછી એક સાથે 10 હજાર લોકો ભગવાન કૃષ્ણનાં દર્શન કરી શકશે. આ વખતે 19 ઓગસ્ટે જન્માષ્ટમી અહીં ધૂમધામથી મનાવાશે. પરિસરમાંથી ટેબ્લો પણ કાઢવામાં આવશે. એક લાખથી વધુ ભક્તો તેમાં સામેલ થશે.

ઈસ્કોન માયાપુરના ટીઓવીપી સભ્ય ઈષ્ટ દેવ કહે છે કે 500 વર્ષ પહેલાં નિત્યાનંદ પ્રભુએ અહીં અદભુત મંદિરની ભવિષ્યવાણી કરી હતી. ઈસ્કોનના સંસ્થાપક પ્રભુપાદજીએ 1971માં ત્રણ એકર જમીન ખરીદી હતી. 1972માં ભૂમિપૂજન થયું અને 2009માં નિર્માણ શરૂ થયું. શરૂઆતના બજેટ મુજબ 600 કરોડ રૂ.માં મંદિર થવાનું હતું પણ કોરોના અને તેના પછી વધેલા ખર્ચથી બજેટ 1 હજાર કરોડને પાર પહોંચી ગયું. કાર નિર્માતા કંપની ફોર્ડના માલિક આલ્ફ્રેડ ફોર્ડે 300 કરોડ રૂ.ના દાન કર્યા.

આ દુનિયાનું સૌથી મોટું વૈદિક મંદિર પણ હશે જ્યાં ફક્ત ભગવાન રહેશે. અહીં 3 વિશાળ શિખર બનાવાયાં છે. મુખ્ય શિખર રાધાકૃષ્ણ અને પૂર્વ શિખર નરસિંહ દેવનું છે. પ્રકાશથી લઈને હવા માટે પણ પ્રાકૃતિક વ્યવસ્થા કરાશે. 350 ફૂટ ઊંચા મંદિરમાં 14 લિફ્ટ લગાવાઈ છે. સામાન્ય રીતે પ્લેનેટોરિયમમાં ગ્રહ-નક્ષત્ર દેખાય છે પણ શ્રી શ્રી માયાપુર ચંદ્રોદય મંદિરમાં બની રહેલા પ્લેનેટોરિયમમાં તમામ લોકના વર્ચ્યુઅલ દર્શન થશે. અહીં સ્થાપિત સુદર્શન ચક્ર 20 ફૂટનું છે. જ્યારે કળશ 40 ફૂટ ઊંચો છે.

શહેરમાં હરે કૃષ્ણ ધૂન ગૂંજે છે, લોકો પણ હરે કૃષ્ણથી સંબોધન કરે છે
મંદિર પરિસરની બહાર ફક્ત હરે કૃષ્ણની ધૂન સંભળાય છે. શહેરમાં જેટલી પણ ચાટ, મોમોઝ, ફાસ્ટફૂડની દુકાનો દેખાય છે, તમામ પર પ્રસાદમ લખ્યું છે. લસણ-ડુંગળીનો ઉપયોગ થતો નથી. ગ્રાહક-દુકાનદાર હરે કૃષ્ણ કહીને જ એકબીજાને સંબોધે છે. રાજ્ય સરકારે માયાપુરમાં એરપોર્ટનો પ્રસ્તાવ એરપોર્ટ ઓથોરિટીને આપ્યો છે. જમીન શોધવામાં આવી રહી છે. સંભવત: કોઈ મંદિર માટે એરપોર્ટ બનાવવાનો પણ આ પ્રથમ મામલો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close