અમદાવાદમાં મકાનના ભાવમાં ઝડપી વધારો, એક વર્ષમાં હાઉસિંગ પ્રોપર્ટી 9% મોંઘી થઈ
Fast rise in house prices in Ahmedabad, housing property became expensive by 9% in one year
સારી ડિમાન્ડ અને સિમેન્ટ, સ્ટીલ સહિતના રો-મટીરિયલ્સના ભાવવધારાને પગલે અમદાવાદમાં મકાનના ભાવમાં વધારો થઈ રહ્યો છે એ તો સૌ જાણે છે, પરંતુ મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, ચેન્નઈ, પુણે જેવાં મોટાં શહેરોની તુલનામાં અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. ક્રેડાઈ-કોલિયર્સ-લિયાસિસ ફોરાસ હાઉસિંગ પ્રાઇસ-ટ્રેકર રિપોર્ટ 2022 મુજબ અમદાવાદમાં છેલ્લા એક વર્ષ દરમિયાન હાઉસિંગ પ્રોપર્ટી 9% મોંઘી થઈ છે, જ્યારે પાછલા ત્રણ મહિનામાં જ માર્કેટ 4% ઊંચકાઈ ગયું છે. દેશનાં 8 શહેર માટે તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટ મુજબ દિલ્હીમાં સૌથી વધુ 10% વધારો થયો છે, જ્યારે અન્ય શહેરોમાં 1-8% જેટલા ભાવ વધ્યા છે.
ભાવ વધ્યા, પણ અન્ય શહેરો કરતાં અમદાવાદ ઘણું સસ્તું
હાઉસિંગ પ્રાઇસ-ટ્રેકર રિપોર્ટ 2022 મુજબ, અમદાવાદમાં ઘરના ભાવવધારાનો ગ્રોથ ઊંચો છે, પરંતુ દેશનાં અન્ય શહેરોની તુલનામાં અમદાવાદમાં ઘર લેવું ઘણું જ સસ્તું છે. અમદાવાદમાં પ્રતિ સ્ક્વેર ફૂટ સરેરાશ રૂ. 5,927નો ભાવ ચાલી રહ્યો છે. એની સરખામણીએ મુંબઈમાં ત્રણ ગણા વધુ ભાવ છે. જ્યારે પુણે, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદમાં સરેરાશ રૂ. 7,100-9,200 પ્રતિ ચોરસ ફૂટ ભાવ ચાલી રહ્યા છે.
આગામી તહેવારોની સીઝનમાં વેચાણ વધશે
ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ હર્ષવર્ધન પટોડિયાએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેન્ક ફુગાવાની અસરને સરભર કરવા માટે રેપો રેટમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે અને બેન્કો હોમ લોન સહિત લોનના વ્યાજદરમાં વધારો કરે એવી અપેક્ષા છે. આ અહેવાલમાં દર્શાવ્યા મુજબ, તમામ શહેરોમાં મકાનોની કિંમતો 2-5%ની વચ્ચે વધી છે, કારણ કે સામગ્રી અને મજૂરી ખર્ચ સતત વધી રહ્યા છે. વ્યાજદરમાં વધારો થવાને કારણે માગમાં નજીવો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ મને વિશ્વાસ છે કે તહેવારોની સીઝનમાં પ્રવેશતાંની સાથે જ સપ્ટેમ્બરથી તમામ સેગમેન્ટમાં વેચાણ વધશે.
ભાવવધારો થવાની સંભાવના મર્યાદિત
કોલિયર્સના મેનેજિંગ ડિરેક્ટર રમેશ નાયરે જણાવ્યું હતું કે મોંઘવારીના દબાણ વચ્ચે આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો છે અને બેંકોએ પહેલેથી જ ધિરાણદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. જોકે આગામી તહેવારોની સીઝનમાં બજારનું સેન્ટિમેન્ટ ઊંચું રહેવાની શક્યતા છે. પરિણામે, વેચાણમાં વધારો થશે. લિયાસિસ ફોરાસના મેનેજિંગ ડિરેક્ટર પંકજ કપૂરે કહ્યું હતું કે વ્યાજદર વધારાની પ્રારંભિક અસરનું ભારણ ડેવલપર્સ ભોગવી લેશે, એટલે આગળના દિવસોમાં ભાવવધારો થવાની સંભાવના મર્યાદિત છે. બીજું કે નવા પ્રોજેક્ટ્સ ઘણા છે એ જોતાં સપ્લાય પણ વધશે.
3 અને 4 BHK માટેની ડિમાન્ડ વધી
રિપોર્ટ મુજબ અમદાવાદમાં 3 અને 4 બેડરૂમ, હોલ, કિચન (BHK)ના ઘરની ડિમાન્ડ વધી છે અને એને કારણે જ આ સેગમેન્ટમાં ભાવવધારો પણ સારોએવો થયો છે. રિપોર્ટ મુજબ, ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચના પહેલા ક્વાર્ટરની સરખામણીએ એપ્રિલ-જૂનના બીજા ક્વાર્ટરમાં 4 BHK સાઇઝના મકાનના ભાવમાં 5.58%નો વધારો થયો છે. આ રીતે જોઈએ તો પ્રીમિયમ પ્રોપર્ટીના માર્કેટમાં વધુ તેજી આવી છે એવું કહી શકાય. લક્ઝુરિયસ કે પ્રીમિયમ કેટેગરીમાં અત્યારે ભાવ રૂ. 6,000-8,500 પ્રતિ સ્ક્વેર ફૂટ ચાલી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
9 Comments