અમદાવાદમાં ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે 3 એલિવેટેડ ફ્લાય ઓવર બનશે
Ahmedabad to have 3 elevated flyovers between ISKCON flyover and Sanand flyover
અમદાવાદ હવે સ્માર્ટ સિટી બની ગયું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા માટે નવા ફ્લાયઓવર બનાવવા માટે રાજ્ય સરકારે કમરકસી છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂ.3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે.
3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર
મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ.3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂ.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટિવિટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનું નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.
અમદાવાદમાં એઇટ લેનથી લઈ એલિવેટેડ કોરિડોરના કામ થશે
તેમણે ઉમેર્યુ કે, આ વાર્ષિક પ્લાનમાં રૂ. 350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવાશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત રૂ.128 કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂ. 110 કરોડના ખર્ચે સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલિવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે છેલ્લા 6 માસમાં રાજ્યના 33 જિલ્લાઓમાં રૂ.12,200 કરોડના ખર્ચે વિવિધ માર્ગ નિર્માણ-વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કામોની કામગીરી પ્રગતિ હેઠળ છે. ભારત સરકાર દ્વારા આ કામગીરી માટેના ડી.પી.આર. કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી છે અને એ માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments