PM મોદીએ ઉ. પ્રદેશમાં રૂ. 80,000 કરોડના 1,406 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો
PM Modi Rs. Laid the foundation stone of 1,406 projects worth Rs 80,000 crore
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રીજા ઉત્તર પ્રદેશ રોકાણ સંમેલનનું ઉદ્ધાટન કરતાં રાજ્યમાં રૂ. ૮૦,૦૦૦ કરોડથી વધુના ૧,૪૦૬ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે વડાપ્રધાને કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે ૨૧મી સદીમાં ઉત્તર પ્રદેશ ભારતની વૃદ્ધિગાથાનું નેતૃત્વ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ઈન્વેસ્ટર્સ સમિટની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં જણાવ્યું હતું કે, હું રોકાણકારોને ધન્યવાદ આપું છું, કારણ કે તેમણે ઉત્તર પ્રદેશની યુવા શક્તિ પર વિશ્વાસ કર્યો છે. તમારા સપના અને સંકલ્પોને નવી ઊંચાઈ, નવી ઉડાન આપવાનું સમાર્થ્ય ઉત્તર પ્રદેશના યુવાનોમાં છે. દુનિયા આજે જે વિશ્વસનીય સાથીને શોધી રહી છે તેના પર ખરા ઉતરવાનું સામર્થ્ય માત્ર આપણા લોકતાંત્રિક ભારત પાસે છે. ઉત્તર પ્રદેશ ૨૧મી સદીમાં ભારતની વિકાસ યાત્રાને આગળ વધારશે.
તેમણે ઉમેર્યું કે ઉત્તર પ્રદેશમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત સમજૂતીઓ થઈ છે. આ વિક્રમી રોકાણ મારફત ઉત્તર પ્રદેશમાં ૧,૪૦૬ પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. આ યોજનાઓમાં કૃષિ અને સંબંદ્ધ ક્ષેત્ર, આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ, એમએસએમઈ, અક્ષય ઊર્જા, પ્રવાસન, સંરક્ષણ અને એરોસ્પેસ વગેરેનો સમાવેશ થાય છે. આ સમારંભમાં દેશના ઉદ્યોગ જગતના દિગ્ગજો ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, નિરંજન હિરાનંદાનીએ હાજરી આપી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે જી૨૦ અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. આજે ભારત ગ્લોબલ રિટેલ ઈન્ડેક્સમાં બીજા નંબરે છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એનર્જી કન્ઝ્યુમર દેશ છે. ગયા વર્ષે દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાંથી ૮૪ અબજ ડોલરનું વિક્રમી એફડીઆઈ આવ્યું છે. ભારતે ગયા નાણાકીય વર્ષમાં ૪૧૭ અબજ ડોલર એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાથી વધુના સામાનની નિકાસ કરીને નવો વિક્રમ સર્જ્યો છે.
વડાપ્રધાને કહ્યું કે, આપણે આપણા સુધારાઓથી એક રાષ્ટ્રના રૂપમાં ભારતને મજબૂતી આપવાનું કામ કર્યું છે. વન નેશન વન ટેક્સ જીએસટી હોય, કે વન નેશન વન ગ્રીડ હોય, વન નેશન વન મોબિલિટી કાર્ડ હોય કે વન નેશન વન રેશન કાર્ડ હોય આ બધા પ્રયાસ અમારી નક્કર અને સ્પષ્ટ નીતિઓનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે ભારતમાં આજે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પર જેટલો ભાર અપાઈ રહ્યો છે, તેટલો પહેલાં ક્યારેય નહોતો અપાયો. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપણે ભારે હિંમત સાથે નિર્ણય કર્યો છે. આપણે ૩૦૦થી વધુ એવી વસ્તુઓની ઓળખ કરી છે, જેની હવે વિદેશમાંથી આયાત કરવામાં નહીં આવે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
9 Comments