ConstructionGovernmentGovtNEWSPROJECTS

અમદાવાદ મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ રૂટની સફર, 30ને બદલે માત્ર 7 મિનિટમાં જ શાહપુરથી કાંકરીયા પહોંચી શકાશે

Ahmedabad Metro Underground Route, Kankaria can be reached from Shahpur in just 7 minutes instead of 30

અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 6.5 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી ટ્રેન અન્ડરગ્રાઉન્ડ પસાર થશે. જેની ટનલનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે.શાહપુર દરવાજાથી કાંકરીયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન દોડવાની છે, જેની ટનલનો એક્સક્લુઝિવ વીડિયો દિવ્યભાસ્કરે મેળવ્યો છે. શાહપુર દરવાજાથી કાલુપુર સ્ટેશન સુધીના ટનલના આ વીડિયોમાં મેટ્રો ટ્રેનનું આખું સ્ટેશન કઈ રીતે બને છે એ આપને બતાવી રહ્યા છીએ.

મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્લી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝુ તરફ જતા 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. ટ્રેનના પાટાથી લઇ ટનલની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી દેખાય છે.

અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે. જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે.

21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે.

મેટ્રો રેલના ફેઝ-1ને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓગસ્ટ 2022માં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જેની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જોકે બંને કોરિડોરમાં મેટ્રો રેલનું જે રીતે કામ બાકી છે તેનાથી લાગી રહ્યું છે કે, મેટ્રો ટ્રેનનો આખો ફેઝ-1 શરૂ નહિ કરી શકાય. વાસણા APMCથી શ્રેયસ ક્રોસિંગ સુધીનો ચાર કિલોમીટરનો રૂટ જ કરવામાં આવી શકે છે. 40 કિલોમીટરના રૂટમાં 32 સ્ટેશન આવે છે, જેમાંથી માત્ર ચાર સ્ટેશનો તૈયાર થયા છે. જેનું 10 ટકા જેટલું કામ બાકી હશે. પરંતુ બાકીના જે સ્ટેશનો અને મેટ્રો ટ્રેન આખી દોડતી થાય તે રીતે મેટ્રો ટ્રેન નો રૂટ અને સ્ટેશનોની કામગીરી હાલમાં જે રીતે જણાય છે તેના પરથી લાગી રહ્યું છે કે ઓગસ્ટ 2022 સુધીમાં 40 કિલોમીટર સુધી મેટ્રો ટ્રેન દોડી શકશે નહીં.

ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close