કોરોના પછી નિકાસમાં વધારો, સિરામિકનો 1 હજાર અને બ્રાસપાર્ટનો 100 કરોડથી વધુ વિદેશ વ્યાપાર
boost in ceramic tiles
સૌરાષ્ટ્રમાં દરેક પ્રકારના ઉદ્યોગો આવેલા છે. અહીં સોયથી લઇને રેલવે અને એરફોર્સના સાધનો બનાવતા એકમો આવેલા છે. આ સાધનોની નિકાસ ભારત સહિત વિશ્વના અન્ય શહેરોમાં થાય છે. જેમાં સિરામિક પ્રોડક્ટમાં વાર્ષિક વિદેશ વ્યાપાર રૂ.1 હજાર કરોડ, બ્રાસપાર્ટમાં રૂ.100 કરોડ, સી ફૂડમાં રૂ.1 હજાર કરોડ, એન્જિનિયરિંગમાં રૂ.100 કરોડ થાય છે. એગ્રિકલ્ચર પ્રોડક્ટ, મગફળી અને સિંગતેલ, કેરી, ખારેક, હળદર, ડુંગળી વગેરે સહિત તમામ પ્રોડક્ટનો વાર્ષિક વિદેશ વ્યાપાર અંદાજિત રૂ. 5 હજાર કરોડનો થાય છે.
કોરોના બાદ સૌરાષ્ટ્રમાંથી નાણાકીય વર્ષ 2020-2021માં 900 નવા લાઇસન્સ ઈસ્યૂ થયા છે. જે અગાઉના વર્ષ એટલે કે 2019-2020 ની સરખામણીએ 300 વધુ છે. કોરોના પછી જે નવા લાઇસન્સ ઈસ્યૂ થયા છે તેમાં પ્લાન્ટેડ મશીન આધારિત ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝના ધંધાર્થીઓનો સમાવેશ થાય છે. કસ્ટમ ડ્યૂટીનો લાભ લીધા બાદ નિયમિત નિકાસ નહિ કરનાર 1000 જેટલા નિકાસકારને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કોરોના પછી દરેક પ્રોડક્ટમાં નિકાસ 15 ટકાથી લઇને 50 ટકા સુધી વધી છે.તેમ રાજકોટ ડી.જી.એફ.ટી.ના ડિરેક્ટર અભિષેક શર્મા જણાવી રહ્યા છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર જે નવા લાઇસન્સ ઈસ્યૂ થયા છે તે ઈપીસીજી સ્કીમ અને એડવાન્સ સ્કીમ બન્ને અંતર્ગત થયા છે. જેમાં જોઇએ તો નાણાકીય વર્ષ 2018-2019માં 396, 2019-2020માં 283 અને 2020-2021માં 530 લાઇસન્સ ઈસ્યૂ થયા છે. આ સિવાય 2021-2022ના વર્ષના ઓગસ્ટમાં પણ કેટલાક નવા લાઇસન્સ ઈસ્યૂ કરાયા છે. જ્યારે એડવાન્સ સ્કીમમાં 2018-2019 માં 301, 2019-2020 માં 315, 2021-2022 માં 360 નવા લાઇસન્સ ઈસ્યૂ થયા છે.
ઈ.પી.સી.જી.સ્કીમ હેઠળ પ્લાન્ટેડ મશીનરી આધારિત ઉત્પાદન કરતા ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે. જ્યારે એડવાન્સ સ્કીમમાં પીવીસી, નોન વુવન અને પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ધંધાર્થીનો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
11 Comments