રાજ્યમાં TP ફાઈનલ નહીં થાય તો શહેરોનો વિકાસ અટકી પડશે
રાજ્યમાં ડ્રાફ્ટ ટી.પી. ફાઈનલ થયા પહેલા જ વિકાસ માટે આપવામાં આવતી મંજૂરીઓ પર રોક લગાવતા હાઇકોર્ટની ખંડપીઠના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં આગામી મંગળવારે સુનાવણી થશે. જો હાઇકોર્ટનો હુકમ સુપ્રીમ કોર્ટ યોગ્ય ઠેરવે તો રાજ્યના અનેક શહેરોમાં વિકાસની પ્રક્રિયા જ ખોરવાઇ જવાની શક્યતા છે.
મોદીનગરના કિસ્સામાં હાઇકોર્ટે 2006માં આપેલા હુકમને કારણે અનેક ડ્રાફ્ટ ટી.પી.માં વિકાસ સામે પ્રશ્નાર્થો સર્જાયા હતા સાથે તમામ પરવાનગી પણ સુપ્રીમ કોર્ટના હુકમને આધીન જ આપવામાં આવતી હતી.
રાજ્યમાં એક વખત ડ્રાફ્ટ ટી.પી. ફાઈનલ થયા બાદ શહેરી વિસ્તારમાં વિકાસ તથા બાંધકામની મંજૂરી અપાય છે. હાઇકોર્ટ સમક્ષ આવેલા એક કેસમાં ડ્રાફ્ટ ટીપીમાં અન્ય મહત્વની જગ્યાએ ફાઈનલ પ્લોટ ફાળવી ઔડાએ અાપેલી બાંધકામની મંજૂરી સામે હાઇકોર્ટે રોક લગાવી હતી. મોદી નગરના કેસમાં હાઇકોર્ટે એવું ઠરાવ્યું હતુંકે, રાજ્યમાં જ્યાં સુધી ફાઈનલ ટીપી પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી આપવી નહી.
બોપલના અમરદીપ કો.ઓ. હા.સા.ના પણ ડ્રાફ્ટ ટીપીમાં જ ઔડાએ બાંધકામની મંજૂરીઓ આપી હતી. જેને હાઇકોર્ટે અમાન્ય ઠેરવ્યું હતું. જે સામે અરજદારોએ સુપ્રીમના દ્વાર ખખડાવ્યા છે. જે કેસમાં ગત મુદતમાં સુપ્રીમે તમામ પક્ષકારોને આગામી મંગળવાર સુધીમાં તેમની તમામ રજૂઆતો સંક્ષીપ્તમાં લેખિતમાં રજૂ કરી દેવા આદેશ આપ્યો છે. ઔડાએ અન્ય એક કિસ્સામાં ડ્રાફ્ટ ટીપીના બહાને ડેવલપમેન્ટને મંજૂરી નહીં અપાતા આખરે મામલે સુપ્રીમમાં આ પિટિશન સાથે લીવ પિટિશન પણ દાખલ થઇ હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
6 Comments