સ્ટીલના વધતા ભાવ પર સરકાર અંકુશ મૂકે- ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓની માંગ
કોરોના મહામારીમાં પછડાટ પામેલા બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ઉદ્યોગને, ફરી એકવાર સ્ટીલના વધતા ભાવ પછડાટ આપી રહ્યા છે. પરિણામે, કંસ્ટ્રક્શન કંપનીઓ અને કેટલીક નાની સ્ટીલ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ બંધ થવાને આરે છે. ત્યારે, આ અંગે જાણવા માટે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને સ્ટીલનો મોટા પ્રમાણમાં વપરાશ કરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સાથે વાત કરી હતી. ત્યારે આવો જાણો તેઓ શું કહી રહ્યા છે.
મહેસાણાની નામાંકિત અનંતા પ્રોકોન પ્રા.લિ.ના ડાયરેક્ટર રાજેન્દ્ર પટેલ જણાવે છેકે, સ્ટીલના ભાવોમાં વધારો થવાને કારણે, માળખાકીય વિકાસ પર બ્રેક લાગી શકે છે કારણ કે, હાલ ગુજરાત સહિત દેશભરમાં માળખાકીય અને નિર્માંણકાર્યો પૂરજોસમાં ચાલી રહ્યાં છે. જેથી, જો સ્ટીલની કિંમતોમાં ધરખમ વધારો થયો હોવાથી રાજ્ય સરકારના પ્રોજેક્ટમાં વિલંબ આવી શકે છે. સરકાર સ્ટીલના ભાવ પર અંકુશ મૂકે તો માળખાકીય વિકાસને વેગ મળશે.
રાજેન્દ્ર પટેલ, ડાયરેક્ટર, અનંતા પ્રોકોન પ્રા.લિ.
અમદાવાદની જાણીતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ડી. આર. અગ્રવાલના મેનેજિંગ ડાયરેક્ટર અંકિત અગ્રવાલે બિલ્ટ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સ્ટીલના વધતા ભાવ અંગે જણાવતાં કહ્યું છેકે, સ્ટીલમાં છેલ્લા બે મહિનામાં 40ટકાનો ધરખમ વધારો થયો છે. જે ખરેખર માળખાકીય વિકાસ માટે જોખકારક બની શકે છે. જેથી, કેન્દ્ર સરકારે સ્ટીલના ભાવો પર અંકુશ મૂકે તેવી સૌ કંસ્ટ્રક્શન કંપનીઓની માંગ છે. વિદેશમાં સ્ટીલના કાચા માલની થતી નિકાસ પર અંકુશ મૂકીને, ભારતમાં જ સ્ટીલની પ્રોડક્ટોનું મેન્યુફેક્ચરીંગ કરીને, વિદેશમાં નિકાસ કરવામાં આવે તો, ખરેખર આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ મળશે.
અંકિત અગ્રવાલ, એમડી, ડી. આર. અગ્રવાલ લિ.
અવધૂત પ્રોજેક્ટ પ્રા.લિ.ના ડાયરેક્ટર દિલીપ પટેલે જણાવ્યું હતું કે, લોખંડ એ લગભગ તમામ મોટા ઉદ્યોગોમાં વપરાતી ધાતુ છે. મોટા ઉદ્યોગો જેવા કે રીયલ એસ્ટેટ, કંસ્ટ્રક્શન, ઓટોમોબાઈલ, હેવી ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટીલનો મોટાપાયે વપરાશ થતો હોય છે જેથી, જો સ્ટીલના ભાવમાં મોટો ફેરફાર થવાથી ઉદ્યોગો પર તેની માઠી અસરો પડે છે. ખાસ કરીને, કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટીલના ભાવ વધવાથી, તેના પર હાલ માઠી અસરો પડી રહી છે. જેથી, સરકારે સ્ટીલના વધતા ભાવ પર અંકુશ મૂકે તેવી કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વ્યવસાયકારોની માંગ છે.
દિલીપ પટેલ, ડાયરેક્ટર, અવધૂત પ્રોજેક્ટ પ્રા. લિ.
ગાંધીનગરના વિનાયક ગ્રુપના ડાયરેક્ટર આદિત્ય ગોયંકાએ બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ સ્ટીલના ભાવમાં 50 ટકા જેટલો વધારો થઈ ગયો છે. જેથી, પ્રોજેક્ટ કોસ્ટિંગ ઊંચી આવી રહી છે. જેથી, કેન્દ્ર સરકારે સ્ટીલની ઊંચી કિંમતો પર અંકુશ લાવીને, ભારત સરકાર હાઉસિંગ ફોર ઓલ-2022ના અભિયાનને સફળ બનાવવામાં સહાયરુપ બને.
આદિત્ય ગોયંકા, ડાયરેક્ટર, વિનાયક ગ્રુપ, ગાંધીનગર
અમદાવાદના સુદર્શન ગ્રુપના ડાયરેક્ટર આનંદ પટેલે બિલ્ટ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સ્ટીલના ભાવ વધવાને કારણે રીયલ એસ્ટેટ માર્કેટ પર અસર પડી રહી છે જેથી સરકાર સ્ટીલની કિંમતમાં ઘટાડો કરે.
આનંદ પટેલ, ડાયરેક્ટર, સુદર્શન ગ્રુપ, અમદાવાદ
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments