ગુજરાતના કંડલામાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે, 1 લાખ કરોડનું થશે જંગી મૂડીરોકાણ

ગુજરાતની જમીન સોના કરતાં પણ વધુ કિંમતી બની રહી છે. ત્યારે હવે, ગુજરાતમાં રિન્યૂઅબલ એનર્જી સેક્ટરમાં રુપિયા એક લાખ કરોડનું જંગી મૂડીરોકાણ કરવાનો સમય આવ્યો છે. રિલાયન્સ, લાર્સ એન્ડ ટુર્બો, ગ્રીનકો ગ્રુપ અને વેલસ્પન ગ્રુપ જેવી મોટી કંપનીઓ ગુજરાતના કંડલામાં ગ્રીન હાઈડ્રોજન તથા ગ્રીન એમોનિયાનો પ્લાન્ટ સ્થાપવા માટે આયોજનમાં છે, જે રિન્યૂઅબલ એનર્જી સેક્ટરમાં અત્યાર સુધીમાં મોટું રોકાણ માનવામાં આવી રહ્યું છે. આટલા મોટા મૂડીરોકાણને કારણે, ગુજરાતમાં નોકરીની નવી તકો સર્જાશે. હાલ લોકસભા ચૂંટણીને કારણે, આચારસંહિતા લાગુ થયેલી હોવાથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, ચૂંટણી બાદ, જૂન મહિનામાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ભારતના ગ્રીન હાઈડ્રોજન મિશનમાં દેશને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેના આધારે ઈંધણ ઊર્જા આયાત ઘટાડીને અર્થતંત્રને લાભ કરાવવાનું લક્ષ્ય છે. 2030 સુધીમાં 5 મિલિયન ટન હાઈડ્રોજન ઉત્પાદનનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. સાથો સાથ રિન્યૂઅબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં 8 લાખ કરોડના ખર્ચે 125 ગીગા વોટનો વધારો કરવાનું લક્ષ્ય છે. આ રોકાણ ગુજરાતના કંડલાની તસ્વીર બદલી નાખશે.

ઉલ્લેખનીય છે કે, આ તમામ કંપનીઓને જમીનની ફાળવણી ગુજરાત સરકારની અંતર્ગત કામ કરતી એજન્સી દ્વારા જમીનની ફાળવણી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા., સૌજન્ય- જીન્યૂઝ ગુજરાતી સમાચાર