GovernmentInfrastructureNEWS

મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ હાઇ સ્પીડ પર…3500 કરોડના અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસ હાઇવેનું કામ ટૂંકમાં જ શરૂ થશે, 24 મહિનામાં પૂર્ણ કરાશે

અમદાવાદ–ધોલેરા એકસપ્રેસ હાઇવેનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન વિચારવામાં આવ્યું છે. આ પ્રોજેકટનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ હાઇવે માટે જે જટિલ કામ હતું એ જમીન સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ હાઇવે ફોરલેનનો બનાવવામાં આવશે.

કોઈપણ પરેશાની વિના જમીન સંપાદનનું કામ પૂર્ણ
આ એકસપ્રેસ હાઇવેને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન તરીકે ઓળખવામાં આવશે. રાજ્યના ઉદ્યોગ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ધોલેરાનો આ એકસપ્રેસ અમદાવાદ–વડોદરા કરતાં પણ વધુ સમૃદ્ધ બનશે. કોઇપણ પરેશાની વિના જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે. હવે પછી તમામ ચાર સ્ટેજમાં કામ શરૂ કરવામાં આવશે.

એકસપ્રેસ હાઇવે માટે 3500 કરોડનો ખર્ચ થયો
ધોલેરા એકસપ્રેસ હાઇવે માટેના ચાર તબક્કાનો કુલ ખર્ચ 3500 કરોડ રૂપિયા થવાનો છે. પહેલા પેકેજમાં 774.53 કરોડ, બીજા પેકેજમાં 913.77 કરોડ, ત્રીજા પેકેજમાં 946.55 કરોડ અને ચોથા પેકેજમાં 932.32 કરોડની પ્રોજેકટ કોસ્ટ નિયત કરવામાં આવી છે. આ બીડમાં સદભાવ એન્જિનિયરિંગ સહિત અનેક કંપનીઓએ રસ લીધો છે.

110 કિલોમીટરનો ચારલેનનો એકસપ્રેસ 2 વર્ષમાં પૂર્ણ થશે
ધોલેરામાં 1000 મેગાવોટ પૈકી 700 મેગાવોટ સોલર પ્રોજેકટ માટેના કામને મંજૂરી આપી દેવામાં આવી છે. પાવર જનરેશન અને એકસપ્રેસ હાઇવેના 8500 કરોડ રૂપિયાના પ્રોજેકટનું કામ શરૂ કરી દેવામાં આવશે. 110 કિલોમીટરનો ચારલેનનો આ એકસપ્રેસ હાઇવે 18થી 24 મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. આ એકસપ્રેસ હાઇવે અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનની કામગીરીની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આ હાઇવેમાં અન્ય હાઇવે કરતાં વધુ એડવાન્સ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોલેરામાં 3000 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અને ફોરલેન એકસપ્રેસ હાઇવેથી આગામી દિવસોમાં વધુ રોકાણ થશે.

ધોલેરા આસપાસની 162 હેકટર જમીન ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવી
ભારત સરકારના રાષ્ટ્ર્રીય રાજમાર્ગ અને પરિવહનમંત્રાલયના નિર્ણય પ્રમાણે ધોલેરાથી અમદાવાદ વચ્ચે આ એકસપ્રેસ હાઇવે બની રહ્યો છે, જે બન્ને સ્માર્ટ સિટીને જોડશે. ધોલેરા અમદાવાદ એકસપ્રેસ હાઇવેને ભારત સરકારના અતિમહત્ત્વના પ્રોજેકટ એવા ભારતમાલા અને ઇકોનોમિક કોરિડોરમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ હાઇવે માટે અમદાવાદ અને ધોલેરા આસપાસની 162 હેકટર જમીન ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close