
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સામાન્ય નાગરિક, ખેડૂત કે સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જાહેર ટ્રસ્ટો-ધર્મસ્થાનકોની માલિકીની જમીન-મિલ્કત છેતરપિંડીથી હડપ કરનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવી સખ્ત હાથે કામ લેવાનો અડગ નિર્ધાર કર્યો છે.
મુખ્યમંત્રીએ આ માટે દસ્તાવેજ નોંધણી કામગીરી ચોકસાઇપૂર્ણ, પારદર્શી અને ભુલચૂક વગરની સરળ બનાવવા ભારતીય રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ની કેટલીક જોગવાઇઓમાં સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક ૭/૨૦૨૦ જે વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં ચર્ચાને અંતે મંજૂર કરી કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે.
મિલ્કત ધારક ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોના હિતોના રક્ષણની પ્રતિબદ્ધતા સાથે આવા નિર્દોષ નાગરિકોની મિલ્કત હડપ કરી જનારા તત્વો સામે લાલ આંખ કરી આ વિધેયકમાં મહત્વપૂર્ણ જોગવાઇઓ સૂચવેલી છે.
વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઊદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે.
છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ આ બધી પ્રવૃત્તિઓના વેગને કારણે જરૂરી તેવું માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને તેથી જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે.
સૌજન્ય ગુજરાત સરકાર
18 Comments