સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થતાં 1.50 લાખ કરોડનો ડાયમંડનો એક્સપોર્ટ રૂ. 2.50 લાખ કરોડ થશે
Diamond Bourse will be top international destination for diamond business

- બાંધકામ એટલું મોટું કે 22 કિમીનો ચકરાવો થાય,ઉદ્યોગકારો મુંબઇથી સુરત આવશે
- 9 પૈકી 7 બિલ્ડિંગનું ફ્રેમ વર્ક પૂરું, પંચ તત્વ પર તૈયાર થઈ રહ્યું છે સમગ્ર સ્ટ્રક્ચર
સુરત: હીરા બુર્સ સુરતમાં ધમધમતુ થાય તે માટે છેલ્લા અઢી વર્ષથી પૂર ઝડપે તેનું બાંધકામ થઈ રહ્યું છે. ત્યારે હીરા ઉદ્યોગ અગ્રણીઓના મતાનુસાર, ટ્રેડિંગ પર્પઝથી જે ઉદ્યોગકારો સુરતથી મુંબઈ સ્થળાંતર થયા છે. તે ફરી મુંબઈથી સુરત સ્થળાંતર થઈ જાય તેવી ખાતરી કરી છે. સુરતનો 1.50 લાખ કરોડનો જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધીને સીધો 2.50 લાખ કરોડ પર પહોંચવાની સાથો-સાથ, 1 લાખ લોકોને સીધી રોજગારીનો લાભ મળશે. ટાવરના કેમ્પસની અંદર જ ફરવામાં આવે તો 22 કિમીનું અંતર થઇ જાય છે.

પ્રોજેક્ટ પાછળ કુલ ખર્ચ 2600 કરોડથી વધુ થશે
અમેરિકાની સિક્યુરીટી સંસ્થા પેન્ટાગોન કરતાં પણ મોટા વિસ્તારમાં તૈયાર થઈ રહેલો ડાયમંડ બુર્સ 2020ની સુરત માટે સૌથી મોટી આશા છે. નવા વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં ડાયમંડ બુર્સ ધમધમતુ થઈ જશે. કુલ 66 લાખ ચો.ફૂટમાં 11 માળના કુલ 9 ટાવરમાં 4200 જેટલી હીરા ઉદ્યોગકારોની ઓફિસ કાર્યરત થશે. અંતિમ તબક્કામાં પહોંચેલા બુર્સના બાંધકામ પંચતત્વ થીમ પર કરવામાં આવ્યું છે. 2600 કરોડમાં તૈયાર થઈ રહેલા કુલ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી કુલ 1500 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા છે. ત્યારે જે 1.50 લાખ કરોડનું વાર્ષિક જે હીરાનું એક્સપોર્ટ સુરતથી મુંબઈ થકી થાય છે, જે વધીને 2.50 લાખ કરોડ થવાની સાથો-સાથ સુરતથી જ તે એક્સપોર્ટ શરૂ થાય તેવી આશા છે. આ અંગે જીજેઈપીસીના રિજીયોનલ પ્રેસિડેન્ટ દિનેશ નાવડિયાના જણાવ્યાનુસાર, મુંબઈથી હીરા ઉદ્યોગ સુરત સ્થાયી થશે. તો તેનાથી શહેરમા પ્રત્યક્ષ-પરોક્ષ રીતે 1 લાખ લોકોથી વઘુને રોજગારી મળવાની છે. જે શહેરના આર્થિક ગ્રોથમાં મહત્વનો ફાળો આપશે.

ગેટથી ઓફિસ સુધી 3 મિનિટમાં પહોંચી શકાય એવું બુર્સનું માળખું
રોજનું 9 મહાકાય ક્રેઈન દ્વારા 6 હજારથી વધુ કારીગરો દ્વારા કુલ 10 હજાર બેગ સિમેન્ટનો ઉપયોગ કરી ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કુલ 9 પૈકી 7 બિલ્ડીંગો ફ્રેઈમ વર્ક સંપૂર્ણ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, આ 9 બિલ્ડીંગો કોરીડોર એકમેકથી જોડાયેલા છે. જેના પેસેજમાં એક મીની પ્લેન પાર્ક કરી શકાય તેટલો મોટો કોરીડોર બનાવવામાં આવ્યો છે. આ સાથે ઝડપથી પોતાની ઓફિસમાં પહોંચી શકાય તે માટે 128 લિફ્ટ મુકવામા આવશે જેમાં 5 ટાવરમાં તો લિફ્ટની શરૂઆત પણ કરી દેવામાં આવી છે., 10 હજાર ટુ વ્હીલર્સ અને 5 હજાર ફોર વ્હીલ્સનું પાર્કિગની જગ્યા છોડવાની સાથે ડાયમંડ બુર્સના ગેટ થી કોઈ પણ વ્યક્તિ પોતાની ઓફિસમાં 3 થી 3.50 મિનિટમાં પહોંચી જાય તેવું ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ડેવલોપ કરવામાં આવ્યું છે. વધુમાં અત્યાર સુધીમાં 41 લાખ કિલો સ્ટીલ અને 1 કરોડ 12 લાખ ક્યુબિક ફીટ કોંક્રીટનો ઉપયોગ થયો છે તેમજ 6 લાખ સ્કે.ફૂટ ગ્રેનાઈટ તથા 3 લાખ સ્કે. ફૂટ ગ્લાસનુ કામ સંપૂર્ણ થઈ ચૂક્યું છે.જૂનથી મેટ્રોનું પ્રથમ ફેઝનું કામ શરૂ થશે, સુરતથી ગાયપગલાં સુધી તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થશે
મોટી કંપની સુરતમાં આવી રફ ટ્રેડિંગ કરશે
સપ્ટેમ્બર-2019માં ઈચ્છાપોર સ્થિત ગુજરાત હીરા બુર્સમાં તૈયાર થયેલા જીજેઈપીસીના ડાયટ્રેડ સેન્ટરમાં એમપીની પન્ના માઈન્સના જેમ્સ ક્વોલિટીના હીરાનું ટ્રેડિંગ થઈ ચૂક્યું છે. ડાયમંડ માઈનીંગ સેક્ટરમાં અગ્રણી નામ ધરાવતી કંપની સુરતમાં આવીને રફ હીરાનું ટ્રેડિંગ કરવા તૈયાર છે ત્યારે આ ડાયટ્રેડ સેન્ટરને એસએનઝેડની મળેલી પરવાનગીને પગલે માર્ચ-2020થી મોટી કંપનીઓ સીધી સુરતમાં આવીને મુંબઈની જેમ રફ ટ્રેડિંગ શરૂ કરશે. 5 દાયકા કરતાં વધુના સુરતના હીરાના વેપારમાં આ વર્ષથી રફ ડાયમંડ સીધી સુરત આવશે.
કાર્ગો ટર્મિનલ સહિત નવા પ્રોજેક્ટ શરૂ થશે
આ વર્ષે કાર્ગો ટર્મિનલને શરૂ કરવા માટેની કાર્યવાહી શરૂ થશેે. કાર્ગો ટર્મિનલ આગામી ત્રણ મહિનામાં શરૂ થવાના એંધાણ છે. ૨૦મી જાન્યુઆરીથી એર ઇન્ડિયાની ભુવનેશ્વર અને બેગ્લોરની ફ્લાઇટ શરૂ થશે, આ ફ્લાઇટ સપ્તાહમાં બે દિવસ છે. આ સાથે એરપોર્ટના વિસ્તરણની સાથે પેરેલલ ટેક્સી ટ્રેક અને મુખ્ય એપ્રેન બાનાવવાનું ખાતમૂર્હત કરાશે. ટર્મિનલ બિલ્ડિંગ મોટું થયા પછી પેસેન્જરોની ક્ષમતા વધશેે. પેરેલેલ ટેક્સી ટ્રેકને પગલે એક સાથે ઘણી બધી ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડ થસે.
હીરા સર્ટિફિકેશન-ગ્રેડિંગની તાકાત વધશે
50 વર્ષ કરતા પણ જુનો ડાયમંડના ઉદ્યોગમાં ડાયમંડનું ગ્રેડિંગ-સર્ટીફિકેશન તો ઠીક, પણ કિંમત પણ ઈઝરાયેલ બેઈઝ્ડ ઉદ્યોગકાર પોતાની અમેરિકા સ્થિત એક કંપની જેનું નામ રેપાપોર્ટ છે, તે નક્કી કરે છે. જેના કારણે હીરા ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં દર મળી શકતાં નથી. આ વર્ષે ભારતમાં જ તૈયાર થતાં હીરાનું ભારતીય સર્ટીફિકેશન અને ગ્રેડિંગ થવાની સાથે ભારતીય કમિટી દ્વારા જ તેની કિંમત નક્કી કરવા આવે તેવી જીજેઈપીસીના પ્રેસિડેન્ટ પ્રમોદ અગ્રવાલે વ્યક્ત કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય – દિવ્ય ભાસ્કર
19 Comments