Civil EngineersGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ભાવનગરમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ બસપોર્ટનું કામ પૂર્ણતાના આરે

The work of a state-of-the-art busport in Bhavnagar is nearing completion

56 વર્ષના લાંબા વનવાસના અંતે રાજ્યમાં સૌથી વધુ રૂ.10.67 કરોડના ખર્ચે ભાવનગરમાં અત્યાધુનિક સુવિધાઓ અને મુસાફરો હરવા ફરવાના સ્થળે પહોંચ્યા હોય તેવો અહેસાસ કરાવતા બસપોર્ટનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. બસપોર્ટનું 99 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું હોય, માત્ર લોકાર્પણની તારીખની વાટે બસપોર્ટને ખુલ્લું મુકવાનું બાકી રહ્યું છે. જે અંગે પણ આયોજનો ચાલી રહ્યા હોય, એકાદ માસમાં લોકોના ઉપયોગ માટે નવનિર્મિત બસપોર્ટ ખુલ્લું મુકાઈ જશે તેવી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.

ભાવનગર એસ.ટી. સ્ટેન્ડને એરપોર્ટ જેવી સુવિધાથી સજ્જ કરવા રૂ.10.65 કરોડના ખર્ચે નવું બસપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તા.22-06-2019ને શનિવારે ભાવનગરના નવા બસપોર્ટનું ખાતમુહૂર્ત થયા બાદ વર્ષ 2020ના પ્રારંભથી તેનું નિર્માણકાર્ય શરૂ કરાયું હતું. કોરોના મહામારીને કારણે બસપોર્ટના નિર્માણમાં વિલંબ આવ્યો હતો. જો કે, અઢી વર્ષ જેટલા સમય બાદ આખરે બસપોર્ટનું કામ પૂર્ણતાના આરે છે. આ અંગે વિભાગીય નિયામક એ.કે. પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, બસપોર્ટમાં હવે માત્ર થોડું જ કામ બાકી છે. જે આગામી થોડા દિવસોમાં પણ થઈ ગયા બાદ બસપોર્ટનું લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. એસ.ટી. ડેપોમાં હાલ જે કામચલાઉ બસ સ્ટેન્ડ ઉભું કરાયું છે, તેને તોડી સરકાર-પ્રજાના નાણાંનો વ્યય કરવાના બદલે અન્ય ઉપયોગ માટે વિચારાધીન છે. નવનિર્મિત બસપોર્ટમાં તમામ આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. પ્લાન લે-આઉટમાં થોડો ફેરફાર કરી લોકોને સાનુકૂળ પડે તે રીતે સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ખાસ કરીને મુસાફરો બસ સ્ટેન્ડમાં આવે ત્યારે તેઓ કોઈ આર્ટ ગેલેરીમાં હોય તેવો અહેસાસ થાય તે માટે પક્ષીઓના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે. 

વધુમાં ભાવનગર એસ.ટી. વિભાગના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે, બસપોર્ટનું કામ આશરે 99 ટકા પૂરૂ થઈ ચુક્યું છે. જે કાંઈ થોડું ઘણું કામ બાકી છે, તે હાલ પ્રગતિમાં છે. ટેન્ડર પ્રક્રિયાથી તમામ દુકાનોને પાંચ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી છે. બસપોર્ટમાં દિવ્યાંગ, સિનિયર સિટીઝન અને મહિલા મુસાફરોને ધ્યાનમાં રાખી સુવિધાઓ ઉભી કરવામાંં આવી છે. ડ્રાઈવર-કંડક્ટર, મહિલા કંડક્ટરો માટે રેસ્ટ રૂમ અને શૌચાલય અલગ બનાવવામાં આવી છે. બસપોર્ટના એન્ટ્રી પોઈન્ટ પર જ રિઝર્વેશન બારી રાખવામાં આવી છે, જેથી ટિકિટ રિઝર્વેશન માટે આવતા મુસાફરોને અંદર સુધીના ધક્કા ના રહે. બસપોર્ટ સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે તેમ ઉમેર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, 2019માં ભાવનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને સેલંબા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું છે. જેમાં સુરેન્દ્રનગર માટે રૂ.8.88, સેલંબા બસ સ્ટેશન માટે રૂ.1.85 કરોડ અને સૌથી વધુ 10.65 કરોડ રૂપિયા ભાવનગર બસ સ્ટેશનના નિર્માણ માટે ફાળવાયા હતા. 

બસપોર્ટમાં 18 પ્લેટફોર્મ, ચાઈલ્ડ કેર રૂમની સુવિધા

ભાવનગરમાં નવિન બસ સ્ટેશનના બાંધકામ માટે રૂ.10.65 કરોડનો ખર્ચ કરાયો છે. આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવિન બસપોર્ટમાં 18 પ્લેટફોર્મ રહેશે. આ ઉપરાંત મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, ટિકિટ, પાસ, રિઝર્વેશન રૂમ, સ્ટેન્ડ ઈન્ચાર્જ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, વીઆઈપી વેલટીંગ લોન્જ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ, એટીએમ, કેશ, ટ્રે, બુકીંગ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, મુસાફરો માટે શૌચાલય, એડમીન ઓફિસ, ડ્રાઈવર-કંડક્ટરનો ટોયલેટ અટેચ સાથેનો રેસ્ટ રૂમ ઉપરાંત નાના બાળકોને સ્તનપાન-સાળસંભાર માટે ચાઈલ્ડ કેર રૂમની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

બે-બે વખત ખાતમુહૂર્ત, 14 વર્ષ બાદ બસ સ્ટેશન બન્યું

૨૦૦૮માં મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. પરંતુ આ ખાતમુહૂર્ત માટે રાજકીય નાટક જ હોય તેમ ત્યારબાદ એક ઈંટ પણ મુકાઈ ન હતી. જે ભાવનગરની નબળી નેતાની ચાડી ફૂંકી રહી છે. 2008 પછી એક દાયકા બાદ 2019માં ફરી ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડના નવિનિકરણ માટે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કરી એક વર્ષની અંદર બસપોર્ટ ઉભું કરવાની વાત થઈ હતી. તેમાં પણ કોરોના અને ધીમી કામગીરીના કારણે અઢી વર્ષનો સમય લાગ્યો હતો. જ્યારે ભાવનગર વિભાગના જ તાલુકા મથકોના ડેપો ભાવનગર પહેલા બનીને તૈયાર થઈ ગયા હતા. બે-બે વખત ખાતમુહૂર્ત થયાના 14 વર્ષ બાદ હવે આખરે ભાવનગર બસ સ્ટેશન બનીને તૈયાર થવા જઈ રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close