GovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ખોખરા ઓવરબ્રિજનું કામ રેલવે દ્વારા 15 જુલાઇ સુધીમાં પુરૂ કરાશે

Khokhra overbridge work will be completed by Railways by July 15

ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ આગામી તા.૧૫ જુલાઇ સુધીમાં રેલવે વિભાગ દ્વારા પુરૂ કરી દેવામાં આવશે. છેલ્લા ત્રણેક દિવસથી આ બ્રિજ પર રેલવેના બાંધકામ વિભાગ દ્વારા ૯૨ મીટર લાંબી બીજી ગર્ડર મુકવાનું કામ આરંભાયું છે જે આવતીકાલે ગુરૂવારે લગભગ પૂર્ણ થઇ જશે. ૬ લેન બ્રિજ પર અગાઉ તા.૨૭ ફેબુ્રઆરીના રોજ એક સાઇડની ગર્ડર મુકાઇ હતી હવે ત્રણ મહિને આ બીજી અને અંતિમ ગર્ડર પણ તેના સ્થાને મુકી દેવાઇ છે. મે માસમાં કામકાજ પુરૂ કરવાની સમયસીમા હવે બે મહિના લંબાઇ ગઇ છે. આ ચોમાસું પણ વાહનચાલકોએ ડાયવર્ઝનમાં જ પસાર કરવું પડશે.

છેલ્લા ત્રણ વર્ષથી ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે. કોરોનાકાળ પણ નળી ગયો જેણે કામ રોકી રાખ્યું અને બીજી બાજુ હજારો અમદાવાદીઓએ હાલાકી ભોગવવી પડી. હવે જ્યારે બ્રિજના કામે ગતિ પકડી છે ત્યારે સામે બાજુ મ્યુનિ.તંત્રએ પણ એટલી જ ત્વરાથી બ્રિજના પ્રવેશ અને નિકાસ ગેટને લગતા કામો પણ ઝડપભેર કરી દેવા જોઇએ તે જરૂરી છે.

આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના પીઆરઓ જિતેન્દ્ર જ્યંતના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી ખોખરા ખાતે ૯૨ મીટર લાંબુ મહાકાય ગર્ડર મુકવાની કામગીરી ચાલી રહી છે.આ ગર્ડરો દિલ્હી પાસેના ગાઝીયાબાદથી લવાઇ રહી છે.  સુરક્ષાને ધ્યાને લઇને જરૂરી પગલા પણ લેવાઇ રહ્યા છે. ગુરૂવાર સુધીમાં બ્રિજના બંને ગર્ડર મુકાઇ જતા બ્રિજનું માળખું તૈયાર થઇ જશે. રેલવેએ આગામી તા.૧૫ જુલાઇ સુધીમાં બ્રિજને લગતા તમામ કામો પુરા કરી દેવાનું આયોજન કર્યું છે. મ્યુનિ.તંત્રએ પણ તેના પક્ષે આવતી કામગીરી પણ સમાંતર ધોરણે કરવી જોઇએ કે  જેથી કરીને બ્રિજનું કામ જુલાઇ સુધીમાં પુરૂ થઇ જાય. ગર્ડર મુકવાની આ કામગીરીના કારણે ટ્રેન વ્યવહારને કોઇ અસર પહોંચી ન હોવાનો દાવો રેલવેના અધિકારીઓ કરી રહ્યા છે.  મ્યુનિ.તંત્ર દ્વારા પણ બ્રિજના લગતા વિવિધ કામોને ગતિ આપવામાં આવે તેવી લોકોની માંગણી છે. 

આ વર્ષે પણ ચોમાસામાં ઢીંચણસમા પાણીમાંથી પસાર થવું પડશે. મે માસના અંત સુધીમાં બ્રિજનું કામ પુરૂ કરી દેવાનો ટાર્ગેટ અગાઉ હતો તે ખોટો પડયો છે. હવે આ બ્રિજ બે માસ મોડો એટલેકે જુલાઇ માસના અંત ભાગ સુધીમાં બનીને તૈયાર થશે તેવું હાલની કામગીરી જોતા લાગી રહ્યું છે. આ વર્ષે પણ ચોમાસામાં વાહનચાલકોએ હાલાકી  ભોગવવાની તૈયારી રાખવી પડશે. હાટકેશ્વર સર્કલ, ખોખરા સર્કલથી અનુપમ સિનેમા, સુખરામનગર, રખિયાલ,અજિત મીલ, જશોદાનગર, કાલુપુર સહિતના વિસ્તારોમાં બે ઇંચ વરસાદમાં જ ઢીંચણસમા પાણી ભરાઇ જતા હોય છે. આ સંજોગોમાં ખોખરા બ્રિજ બંધ હોવાથી આજુબાજુના વિસ્તારના લોકોએ સારંગપુર અને કાલુપુર બ્રિજનો ઉપયોગ કરવો પડશે તેથી તેઓએ પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થઇને પરેસાની ભોગવવી પડશે.

વાહનચાલકો છેલ્લા ત્રણ વર્ષથી ડાયવર્ઝન વેઠી રહ્યા છે ! પૂર્વ અમદાવાદ માટે ખોખરા બ્રિજ અતિ મહત્વનો છે. બ્રિજનો એેક ભાગ તૂટી પડયો અને નિર્દોષના મોત થયા ત્યારબાદના ઘટના ક્રમમાં બ્રિજ તોડીને નવો બનાવવાની કામગીરી ચાલી. છેલ્લા ૩ વર્ષથી વાહનચાલકો ડાયવર્ઝન વેઠી રહ્યા છે. વાહનોના ઇંધણનો વ્યય થવાની સાથે લોકોનો સમય પણ બગડી રહ્યો છે.

બે થી પાંચ કિ.મી દુર ફરીને લોકોને અવર-જવર કરવાની ફરજ પડે છે. વાહનચાલકોએ આંદોલનો ચલાવ્યા, દેખાવો કર્યા , આવેદનપત્રો આપીને બ્રિજ જલદી પુરો કરવા રજુઆતો પણ કરી હતી.બ્રિજની આજુબાજુમાં આવેલી દુકાનોના ધંધા પડી ભાગ્યા, સોસાયટીના રહીશોએ પણ સામે છેડે જવા ફરવું પડી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close