‘કોમન મેન’ની જેમ સરપ્રાઇઝ વિઝિટ : ભુપેન્દ્ર પટેલે વડોદરાની ઝુંપડપટ્ટીની મુલાકાત લીધી
Surprise visit like 'Common Man': Bhupendra Patel visits Vadodara slums
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગર ઝુપડપટ્ટીની ઓચિંતી મુલાકાત લીધી હતી. CMને પોતાના વિસ્તારમાં જોઇને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો.
મુખ્યમંત્રીએ મુશ્કેલીઓ દૂર કરવાની હૈયાધારણા આપી
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી આજે સવારે 9:30 વાગ્યે અચાનક જ એકતાનગરની મુલાકાતે પહોંચી ગયા હતા. આમ CMને પોતાના વિસ્તારમાં આવેલા જોઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધ મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની મુશ્કેલી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેમની મુશ્કેલીઓ દૂર કરવાની હૈયાધારણા આપી હતી.
CMનો કાફલો એકતાનગરમાં પહોંચ્યો હતો
તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો
એક વૃદ્ધ મહિલા અને સ્થાનિકોએ CMને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ તમે ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો. પણ અમારી સમસ્યાનું નિવારણ તમે લાવી આપો. પાણી અને ગટરની સમસ્યા દૂર કરી આપો.
CM કોઇને જાણ કર્યા વિના જ એકતાનગરમાં પહોંચી ગયા
બીજી તરફ રાજકીય અગ્રણીઓને મુખ્યમંત્રીની એકતાનગરની મુલાકાત અંગે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. આમ CM(કોમન મેનની જેમ) આજે કોઇને જાણ કર્યા વિના જ વડોદરાના એકતાનગરમાં પહોંચી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.
મુખ્યમંત્રીએ સ્થાનિકોની મુશ્કેલીઓ દૂર કરવાની હૈયાધારણા આપી હતી
વાઘોડિયાના સુખલીપુરા ગામની પણ મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સાથે અમદાવાદથી કારમાં સુખાલીપુરા ગામે પહોચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા ગામે પહોચી ગયેલા જોઇ ગ્રામજનો તો અચંબામાં પડી ગયા.
વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રીએ પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણખેડૂતો-માતા-બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી હતી. તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૃચ્છા કરી હતી. મુખ્યમંત્રી સૌ પ્રથમ સુખાલીપુરાના નવી નગરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.
CMને પોતાના વિસ્તારમાં જોઇને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મેળવી
એટલું જ નહીં, મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રમાં પણ જઇને આંગણવાડી કાર્યકર બહેનો સાથે વાતચીત કરી, નંદઘરમાં અપાતી સુવિધા, પોષક આહાર, રમકડાં, અભ્યાસ સામગ્રી વિશે પૂછપરછ કરી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી એવા વિઠ્ઠલભાઇ મોતીભાઇ વણકરને યોજના અંગે પૃચ્છા કરી હતી. યોજનામાં મળવાપાત્ર રકમ સમયસર મળી રહે છે? મકાનનું કામ સારી રીતે થયું છે? પાકા મકાનમાં રહેવાની મજા આવે છે? સહિતની બાબતોની જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. ગામમાં 20 ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે.
CMએ બીપીએલ રાશનકાર્ડ ધારક સાથે સંવાદ સાધ્યો
મુખ્યમંત્રી સુખાલીપુરા ગામના પાદરમાં તળાવના કિનારે મૂકાયેલા બાંકડા ઉપર બેસી ગયા હતા. એક બીપીએલ રાશનકાર્ડ ધારક સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં પૂરતુ રાશન મળે છે કે કેમ? સમયસર દુકાન ખુલે છે? ક્યું રાશન આપે છે? આ બાબતની જાણકારી મેળવી હતી. એ દરમિયાન, સરપંચ નવનિતભાઇને જાણ થતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને વાતવાતમાં કહ્યું કે, સાહેબ તમે આવવાના છો તેની જાણ કરી હોત તો સારૂ થાત.
CMએ વાઘોડિયાના સુખલીપુરા ગામની પણ મુલાકાત લીધી હતી
મારે તો ગામની વાસ્તવિક સ્થિતિ જાણવી હતીઃCM
મુખ્યમંત્રીએ સ્મિત સાથે સહજતાથી સરપંચને કહ્યું કે, જો તમને જાણ કરી હોત તો તમે બધી તૈયારી કરી રાખી હોત. મારે તો ગામની વાસ્તવિક સ્થિતિ જાણવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વિમાની મથકેથી રાષ્ટ્રપતિને જામનગર જવા વિદાય આપ્યા બાદ અચાનક જ આ ગ્રામીણ વિસ્તારોની મોટરમાર્ગે નિરીક્ષણ મુલાકાતનો નિર્ણય કર્યો અને કોઇને ય જાણ કર્યા વિના અમદાવાદ, વડોદરા હાઇ-વે પર થઇને સુખાલીપુરા પહોચી ગયા હતા.
ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર
11 Comments