આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા દ્વારા ત્રિદિવસીય “મા ઉમિયાધામ નિર્માંણના શિલાન્યાસ મહોત્સવ”નો શુભારંભ થઈ રહ્યો છે. શનિવાર સવારે 10 કલાકે નવનિર્મિત “મા ઉમિયાધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના શિલાન્યાસ મહોત્સવ”નું ઉદ્દઘાટન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે થશે. આ પાવન પ્રસંગે, કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ સહિત અનેક મોભેદાર લોકો સહિત મોટીસંખ્યામાં માના દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેશે.
શ્રી ઉમિયા માતાજીનું મંદિર નાગરાદી શૈલીનું પ્રાચીન શાસ્ત્રોત પધ્ધતિથી બનશે. મંદિરની લંબાઈ 255 ફૂટ, પહોળાઈ 160 ફૂટ અને 132 ફૂટ ઊંચાઈ ધરાવતું ભવ્ય મંદિર નિર્માંણ પામશે. મંદિરમાં સુંદર અને ભવ્ય કોતરણીવાળા 92 સ્તંભો હશે. આમ, મંદિર સંપૂર્ણ પણે ભગવાન વિશ્વકર્માંએ કહેલ મુજબ શાસ્ત્રોક્ત શિલ્પ સ્થાપત્ય વિધિ પ્રમાણે નિર્માંણ પામશે.
ઉલ્લેખનીય છેકે, 74 હજાર ચોરસવાર જમીન પર અંદાજિત રુ. 1500 કરોડના ખર્ચે વિશાળ મા ઉમિયાધામનું નિર્માંણ પામશે. આશરે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માંણ થશે. જેમાં 400 થી વધારે રુમોમાં 1200થી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રહી શકે તેવું આધુનિક સુવિદ્યાઓ સાથે વર્કિંગ હોસ્ટેલ પણ નિર્માંણ કરવામાં આવશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિર્માંણ કરવામાં આવશે.
આ ઉપરાંત, 5 હજાર સ્કવેર ફૂટમાં આત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભામાં વધારો કરતો આધુનિક બેન્કવેટ હોલ નિર્માંણ કરવામાં આવશે. મેડીકલ સેન્ટર, 1000 કારનું વિશાળ પાર્કિંગ અને અન્નપૂર્ણા ભવન નિર્માંણ કરવામાં આવશે. જેમાં દર્શનાર્થીઓ સહિત તમામ જ્ઞાતિના લોકો લાભ લઈ શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments